આપણે આપણું ભાષાનું સ્તર નીચું લાવવું જોઈએ નહીં: શશી થરુરે આડકતરી આપી મલ્લિકાર્જુન ખડગેને સલાહ
ભાજપે માંગ કરી છે કે ખડગેએ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશની જનતાની માફી માંગવી જોઈએ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે કરેલી એક ટિપ્પણીએ દેશના રાજકારણમાં મોટું તોફાન મચાવ્યું છે. કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકોને 'અભણ' ગણાવતા ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે.
રવિવારે કેરળના ઇડુક્કી જિલ્લામાં યોજાયેલી રેલીમાં ખડગેએ નિવેદન આપ્યું હતું કે, કેરળના લોકો સુશિક્ષિત અને હોશિયાર છે, તેથી તેમને ગેરમાર્ગે દોરી શકાય નહીં. આ સાથે તેમણે સરખામણી કરતા કહ્યું કે, ગુજરાત અને અન્ય કેટલાક સ્થળોએ લોકો 'અભણ' હોવાથી તેમને સરળતાથી ભ્રમિત કરવામાં આવે છે. આ નિવેદન સામે આવતા જ ભાજપે તેને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ખડગેનું નિવેદન "શરમજનક અને અપમાનજનક" છે. પ્રસાદે સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ નિવેદન સાથે સહમત છે? ભાજપે માંગ કરી છે કે ખડગેએ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જે પદ પર સરદાર પટેલ અને નેહરુ જેવા મહાનુભાવો રહ્યા છે, ત્યાં બેસીને આવી વિભાજનકારી ભાષા શોભતી નથી.
આ વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા શશી થરૂરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં રાજકીય સંવાદનું સ્તર ઘટી રહ્યું છે. જોકે તેમણે સીધો ખડગેનો બચાવ કરવાને બદલે સલાહ આપી હતી કે, ભલે સામે પક્ષે ખરાબ ભાષાનો ઉપયોગ થતો હોય, પણ આપણે આપણું સ્તર નીચું લાવવું જોઈએ નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
