<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

વિશ્વ વિનાશના આરે: હોર્મુઝ સ્ટ્રેટ પર UNSCમાં રશિયા-ચીનનો વીટો : ટ્રમ્પની ડેડલાઈન હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ

બહેરીન દ્વારા લાવવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને મહાસત્તાઓએ ફગાવ્યો : ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે ટ્રમ્પની ‘કરો અથવા મરો’ની ચેમવણીથી વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષામાં ભયંકર ખળભળાટ

નવી દિલ્હી : હોર્મુઝને લઈને ચાલી રહેલો વૈશ્વિક તણાવ હવે તેના ચરમબિંદુએ પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગઈકાલે રાત્રે મળેલી કટોકટીની બેઠકમાં બહેરીન દ્વારા રજૂ કરાયેલા શાંતિ પ્રસ્તાવ પર રશિયા અને ચીને પોતાના ‘વીટો’ પાવરનો ઉપયોગ કરીને તેને રોકી દીધો છે. આ મતદાન એવા સમયે થયું છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી સમયમર્યાદા પૂરી થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે જો ઈરાન આ વ્યૂહાત્મક જળમાર્ગ નહીં ખોલે, તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ પર હુમલો કરીને ‘સંસ્કૃતિનો નાશ’ કરશે.

UNSC માં થયેલા આ મતદાનમાં 11 દેશો પ્રસ્તાવની તરફેણમાં હતા, જ્યારે પાકિસ્તાન અને કોલંબિયા ગેરહાજર રહ્યા હતા. રશિયા અને ચીનનો તર્ક છે કે તેઓ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બળપ્રયોગ અથવા લશ્કરી કાર્યવાહીના વિરોધમાં છે. બહેરીને શરૂઆતમાં ‘તમામ જરૂરી પગલાં’ ભરવાની છૂટ માંગતો કડક મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ ફ્રાન્સ અને અન્ય સભ્યોના વિરોધને કારણે તેને માત્ર ‘રક્ષણાત્મક પગલાં’ સુધી સીમિત કરવામાં આવ્યો હતો. તેમ છતાં, રશિયા-ચીનના મક્કમ વિરોધે ડિપ્લોમેટિક માર્ગે ઉકેલ લાવવાની છેલ્લી આશા પર પાણી ફેરવી દીધું છે, જેનાથી સમગ્ર વિશ્વ હવે યુદ્ધના ભયાનક પડછાયા હેઠળ આવી ગયું છે.

વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ આ જ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, અને ઈરાન દ્વારા તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુએસ-ઈઝરાયેલ હુમલાના વળતા પ્રહારમાં ઈરાને પાડોશી દેશોના એરપોર્ટ અને રહેણાંક ઈમારતોને નિશાન બનાવ્યા છે. હવે જ્યારે ટ્રમ્પની રાત્રે 8 વાગ્યાની ડેડલાઈન નજીક આવી રહી છે, ત્યારે પ્રશ્ન એ છે કે શું અમેરિકા ખરેખર ઈરાન પર સીધો હુમલો કરશે? જો આવું થશે, તો મધ્ય પૂર્વમાં લાગેલી આ આગ સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભસ્મીભૂત કરી શકે છે.

(11:23 PM IST)