<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ભારત-ન્યુઝીલેન્ડ દોસ્તીની નવી ઉડાન: 24 એપ્રિલે ઐતિહાસિક FTA પર થશે મહોર

ભારતીય નિકાસકારો માટે કીવી દેશના દરવાજા ખુલશે : આગામી 15 વર્ષમાં $20 બિલિયનના રોકાણની આશા સાથે આયુષ પ્રેક્ટિશનરો, શેફ અને આઈટી પ્રોફેશનલ્સ માટે વિઝાના માર્ગો થશે મોકળા

નવી દિલ્હી:  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આગામી 24 એપ્રિલના રોજ દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થવાની પ્રબળ શક્યતા છે. આ કરાર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે ભારતીય નિકાસકારોને ન્યુઝીલેન્ડના બજારમાં 100% ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે. આનો અર્થ એ છે કે મેડ-ઈન-ઈન્ડિયા ઉત્પાદનો હવે ન્યુઝીલેન્ડના સ્ટોર્સમાં કોઈપણ વધારાના કર વગર વેચાશે, જે દ્વિપક્ષીય વેપારને આગામી પાંચ વર્ષમાં $5 બિલિયન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

આ કરારની સૌથી મોટી વિશેષતા 'સર્વિસ સેક્ટર' અને 'વર્કિંગ વિઝા' છે. ન્યુઝીલેન્ડ દર વર્ષે 5,000 ભારતીય વ્યાવસાયિકો માટે કામચલાઉ રોજગાર વિઝા જારી કરશે. આમાં માત્ર આઈટી કે એન્જિનિયરિંગ જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના વાહકો એવા યોગ પ્રશિક્ષકો, આયુષ પ્રેક્ટિશનરો, ભારતીય રસોઇયા (Chefs) અને સંગીત શિક્ષકો માટે પણ ત્રણ વર્ષ સુધી ત્યાં રહીને કામ કરવાની તક મળશે. બીજી તરફ, ન્યુઝીલેન્ડના પ્રખ્યાત ઊન, કોલસો, લાકડું અને વાઇન જેવા ઉત્પાદનો પર ભારત ડ્યુટી ઘટાડશે, જેથી ભારતીય ગ્રાહકોને આ આંતરરાષ્ટ્રીય ઉત્પાદનો સસ્તા દરે મળી રહેશે.

જોકે, ભારત સરકારે આ કરારમાં દેશના ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. ન્યુઝીલેન્ડ ડેરી ક્ષેત્રમાં વિશ્વનો અગ્રણી દેશ હોવા છતાં, ભારતે સ્થાનિક પશુપાલકો અને ડેરી ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે દૂધ, ચીઝ, દહીં અને પનીર જેવા ઉત્પાદનો પર કોઈ પણ પ્રકારની ડ્યુટી છૂટ આપી નથી. તેવી જ રીતે ડુંગળી, ખાંડ અને ખાદ્ય તેલ જેવી સંવેદનશીલ ચીજોને પણ આયાત મુક્ત કરવામાં આવી નથી. આ સંતુલિત કરારથી બંને દેશો વચ્ચે પ્રવાસન, શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી ભાગીદારી સર્જાશે, જે નાણાકીય વર્ષ 2024-25 ના $1.3 બિલિયનના વેપારને અનેકગણો વધારી દેશે.

(10:21 PM IST)