હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અદાણી ગ્રુપનો અમેરિકી કોર્ટમાં વળતો પ્રહાર : ગૌતમ અદાણીએ SECના કેસને ફગાવવા કરી અરજી, હકુમત બહારની કાર્યવાહી ગણાવી
ન્યૂયોર્કની કોર્ટમાં કાનૂની દલીલો રજૂ કરી : અમેરિકી માર્કેટ રેગ્યુલેટરે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો, રોકાણકારોને કોઈ નુકસાન થયું નથી અને તમામ વ્યવહારો ભારતની સરહદમાં થયા હોવાથી અમેરિકી કાયદો લાગુ ન થઈ શકે

ન્યૂયોર્ક:ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીએ અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા કરવામાં આવેલા સિક્યોરિટીઝ ફ્રોડના કેસને પડકારતા ન્યૂયોર્કની કોર્ટમાં મોટી કાનૂની લડાઈ શરૂ કરી છે. અદાણી ગ્રુપના વકીલોએ ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક પ્રી-મોશન લેટર દાખલ કરીને આ કેસને સંપૂર્ણપણે રદબાતલ કરવાની માંગ કરી છે. અદાણી પક્ષે પાયાની દલીલ એ કરી છે કે આ કેસ અમેરિકાની ન્યાયિક હકુમતની બહાર છે અને SEC એ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને આ કાર્યવાહી કરી છે.
*અમેરિકાની કોઈ વ્યક્તિગત હકુમત નથી: અદાણીનો તર્ક:*
અદાણી દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી કે સાગર અદાણીએ અમેરિકામાં કોઈ એવા સંપર્કો રાખ્યા નથી કે જેના આધારે ત્યાંની કોર્ટ તેમની સામે કેસ ચલાવી શકે. ૨૦૨૧માં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા જે ૭૫૦ મિલિયન ડોલરના બોન્ડ્સ બહાર પાડવામાં આવ્યા હતા, તે વ્યવહાર સંપૂર્ણપણે અમેરિકાની બહાર થયો હતો. આ બોન્ડ્સ 'રૂલ ૧૪૪-એ' અને 'રેગ્યુલેશન એસ' હેઠળ બિન-અમેરિકી અન્ડરરાઈટર્સને વેચવામાં આવ્યા હતા. અદાણી પક્ષે દલીલ કરી છે કે આમાં કોઈ પણ 'ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન' થયું નથી, જે અમેરિકી સિક્યોરિટીઝ કાયદા લાગુ કરવા માટે અનિવાર્ય શરત છે.
*રોકાણકારોને કોઈ આર્થિક નુકસાન થયું નથી:*
અદાણીના વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું છે કે SEC એ આ કેસમાં રોકાણકારોને થયેલા કોઈ પણ નુકસાનનો ઉલ્લેખ કર્યો નથી, કારણ કે હકીકતમાં કોઈ નુકસાન થયું જ નથી. અદાણી ગ્રીન એનર્જીએ ૨૦૨૪માં આ બોન્ડ્સ પાક્યા ત્યારે તમામ રોકાણકારોને મુદ્દલ અને વ્યાજ સહિતની પૂરેપૂરી રકમ સમયસર ચૂકવી દીધી છે. આમ, રોકાણકારો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થઈ હોવાની વાત પાયાવિહોણી છે. વળી, જે કથિત લાંચ યોજનાની વાત કરવામાં આવી રહી છે, તેના સમર્થનમાં SEC પાસે કોઈ નક્કર કે વિશ્વસનીય પુરાવા નથી.
*ભારતીય ઈશ્યુઅર અને ભારતીય કાયદો:*
અદાલતી અરજીમાં જણાવ્યા અનુસાર, બોન્ડ બહાર પાડનાર કંપની ભારતીય છે, પ્રતિવાદીઓ ભારતીય નાગરિક છે અને કથિત ગેરરીતિ પણ ભારતમાં જ થઈ હોવાના આક્ષેપ છે. આ સંજોગોમાં અમેરિકી રેગ્યુલેટરની દખલગીરી એ કાયદાકીય અતિરેક (Overreach) છે. વકીલોએ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચુકાદાઓને ટાંકીને કહ્યું કે માત્ર એટલા માટે કે અમુક રોકાણકારો અમેરિકામાં વસતા હોય, તેનાથી આખો વ્યવહાર અમેરિકી કાયદા હેઠળ આવી જતો નથી.
*SEC ના ગંભીર આરોપો અને અદાણીનો બચાવ:*
નવેમ્બર ૨૦૨૪માં SEC એ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપે ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરથી વધુની લાંચ આપીને સોલર એનર્જીના કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા હતા અને આ બાબત રોકાણકારોથી છુપાવી હતી. અદાણીના વકીલોએ આને 'પફરી ડિફેન્સ' તરીકે ઓળખાવતા કહ્યું કે કોર્પોરેટ પ્રતિષ્ઠા કે ભ્રષ્ટાચાર વિરોધી સામાન્ય નિવેદનો એ કોઈ ગેરંટી નથી કે જેના પર રોકાણકારો કાનૂની દાવો માંડી શકે. ગૌતમ અદાણી કોઈ પણ દસ્તાવેજના ડ્રાફ્ટિંગ કે સમીક્ષામાં સામેલ હોવાના પણ કોઈ પુરાવા નથી.
અદાણી ગ્રુપે ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં આ કેસ ફગાવી દેવા માટે સત્તાવાર મોશન દાખલ કરવાની તૈયારી બતાવી છે. હાલમાં ૭ એપ્રિલના રોજ કોર્ટને જાણ કરવામાં આવી છે કે તેઓ પ્રી-મોશન કોન્ફરન્સ માટે હાજર રહેવા તૈયાર છે. જો કોર્ટ અદાણીની આ દલીલો સ્વીકારે છે, તો અમેરિકી માર્કેટ રેગ્યુલેટર માટે આ એક મોટી હાર સાબિત થઈ શકે છે. બીજી તરફ, અદાણીના આ આક્રમક વલણથી ભારતીય કોર્પોરેટ જગતમાં ફરી એકવાર ચર્ચા જાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
