<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર લશ્કરી હુમલાઓ રોકવાની સંમતિ આપી છે, જેના બદલામાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની શરતોને આધીન ખુલ્લી મુકવાનો સ્વીકાર કર્યો

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની ઐતિહાસિક જાહેરાત, પાકિસ્તાને કરી મધ્યસ્થી : યુદ્ધવિરામની સમજૂતી બાદ પણ દક્ષિણ ઈઝરાયેલમાં રેડ એલર્ટ, ઈરાન તરફથી બેલિસ્ટિક ક્લસ્ટર મિસાઈલો છોડાયાનો દાવો

વોશિંગ્ટન/તહેરાન/ઇસ્લામાબાદ/  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન સરકારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની રજૂઆત બાદ મધ્યપૂર્વમાં બે સપ્તાહના યુદ્ધવિરામની ઘોષણા કરી છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર લશ્કરી હુમલાઓ રોકવાની સંમતિ આપી છે, જેના બદલામાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની શરતોને આધીન ખુલ્લી મુકવાનો સ્વીકાર કર્યો છે.

 જોકે, આ જાહેરાતના ગણતરીના સમયમાં જ ઈઝરાયેલમાં મિસાઈલ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગતા તણાવ ફરી ભડક્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર માધ્યમો પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઉચ્ચ નેતૃત્વ સાથેની વાતચીત બાદ ઈરાન પર થનારા બોમ્બમારાને બે સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ નિર્ણય ઈરાન દ્વારા આપવામાં આવેલા ૧૦ મુદ્દાના પ્રસ્તાવ અને હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણ, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવાની બાંયધરી બાદ લેવાયો છે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સત્તાવાર નિવેદન બહાર પાડીને પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફનો આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાના ૧૫ મુદ્દાના અને ઈરાનના ૧૦ મુદ્દાના પ્રસ્તાવના આધારે વાટાઘાટો થશે. 

જો ઈરાન પર હુમલા બંધ થશે, તો તેમના સશસ્ત્ર દળો રક્ષણાત્મક કામગીરી અટકાવી દેશે. આ બે સપ્તાહ દરમિયાન તકનીકી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સલામત પસાર થવાની વ્યવસ્થા ઈરાની સેનાના સંકલનથી કરવામાં આવશે.

(8:30 AM IST)