<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બંને પક્ષો તરફથી સારા સમાચાર મળવાની સંભાવના: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની ડીલ વહેલી સવાર સુધીમાં ફાઇનલ થવાની શક્યતા: વિશ્વભરના જીવ તાળવે ચોટ્યા છે ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની મધ્યસ્થીથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા અંતિમ તબક્કામાં

મોડી રાત્રે અઢી વાગે મળતા સીએનએનના અહેવાલ મુજબ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી  વહેલી સવાર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર આ મંત્રણાનું સીધું નેતૃત્વ કરી રહ્યા છે અને બંને પક્ષો તરફથી ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે આપવામાં આવેલી ડેડલાઈન પૂરી થાય તે પહેલાં, મધ્ય પૂર્વમાં શાંતિ માટેના રાજદ્વારી પ્રયાસો તેજ બની ગયા છે. 

 

આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો સીએનએન, બીબીસી અને અલ જઝીરા સહિતના અહેવાલો મુજબ, પાકિસ્તાન આ કટોકટીમાં મુખ્ય મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે.  

 

ખાનગી ચેનલમાં પ્રસિદ્ધ થયેલા અને સીએનએનના પ્રાદેશિક સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ મોટી સમજૂતી આજે મધ્યરાત્રિ સુધીમાં ફાઇનલ થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો તરફથી ટૂંક સમયમાં કેટલાક સારા સમાચાર મળવાની સંભાવના છે.

 

આ સમગ્ર વાટાઘાટો અને શાંતિ મંત્રણાનું સુકાન પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સંભાળી રહ્યા છે. 

અહેવાલો અનુસાર, અસીમ મુનીર આખી રાત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સ, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે સતત સંપર્કમાં રહ્યા છે. 

 

પાકિસ્તાને ઇસ્લામાબાદ એકોર્ડ નામનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને હોર્મુઝની સામુદ્રધુની ફરી ખોલવાનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ મુજબ ૧૫ થી ૨૦ દિવસની અંદર વ્યાપક શાંતિ સમજૂતી માટે આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો ઈરાન નિર્ધારિત સમયમર્યાદામાં હોર્મુઝની સામુદ્રધુની નહીં ખોલે તો તેના પર વિનાશક હુમલા કરવામાં આવશે. જોકે, પાકિસ્તાનની મધ્યસ્થી અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના સઘન પ્રયાસોને પગલે હવે એવી પ્રબળ સંભાવના છે કે આ યુદ્ધ ટળી શકે છે. 

 

હાલમાં બંને દેશો વચ્ચે સંચારનું એકમાત્ર માધ્યમ પાકિસ્તાન છે, અને પ્રારંભિક કરાર પાકિસ્તાન મારફતે ઇલેક્ટ્રોનિક રીતે ફાઇનલ થઈ શકે છે. જો આ પ્રયાસો સફળ રહેશે તો ઇસ્લામાબાદમાં અંતિમ વાટાઘાટો યોજાશે, જે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ખતમ કરવામાં એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે. *

(9:22 AM IST)