<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ગૌહત્‍યા રોકવા દેશમાં રામ મંદિર જેવી જ લોકભાવના હોવી જોઈએઃ ભાગવત

‘સમાજને ગૌભક્‍ત બનાવો, ગૌહત્‍યા તરત જ બંધ થઈ જશે'

નવી દિલ્‍હી તા.૮: દેશમાં ગૌહત્‍યા રોકવાનો મુદ્દા સમયાંતરે ઉછળતો રહે છે. આ મુદ્દાને ઘણીવાર રાજકીય રંગ પણ આપવામાં આવે છે. આ દરમિયાન, ફરી એક વાર રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગૌહત્‍યા રોકવાને લઈને મહત્‍વપૂર્ણ નિવેદન આપ્‍યું છે.  જનજાગૃતિ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ગૌહત્‍યા રોકવા માટે દેશમાં રામ મંદિર જેવી જ લોકભાવના હોવી જોઈએ. જો સમાજ ગાય પ્રત્‍યે સમર્પિત થઈ જશે, તો ગૌહત્‍યા આપોઆપ અટકી જશે.

આરએસએસના વડા મોહન ભાગવત વૃંદાવનના મલૂક પીઠ ખાતે સંત મલૂક દાસજી મહારાજની ૪૫૨મી જન્‍મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે, સમાજને ગૌભક્‍ત બનાવો, ગૌહત્‍યા તરત જ બંધ થઈ જશે. આપણે લોકોને જાગૃત કરવી પડશે, બાકીનું બધું આપમેળે થઈ જશે. અયોધ્‍યાના રામ મંદિરનો ઉલ્‍લેખ કરતા આરએસએસ પ્રમુખે કહ્યું કે, દાયકાઓના સંઘર્ષ બાદ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો એટલા માટે આવ્‍યો, કારણ કે સમગ્ર દેશમાં રામમંદિર માટેની તીવ્ર લોકલાગણી હતી. આવી જ ભાવના હવે ગાયો માટે પણ દેખાવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્‍યું કે, રામ મંદિર ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્‍ચે નથી બન્‍યું, તે ૨૦૧૯ પછી આવ્‍યું. શા માટે? કારણ કે સુપ્રીમ કોર્ટ, જે અગાઉ કહેતી હતી કે તેમની પાસે અન્‍ય મહત્‍વના કેસો છે, તેણે સર્વસંમતિથી નિર્ણય આપ્‍યો. એ જ રીતે, ગાયો માટે પણ આ જ લોકજુવાળ દેખાવો જોઈએ. તમે પણ પ્રયાસ કરી રહ્યા છો અને અમે પણ કરી રહ્યા છીએ. ભાગવતે સ્‍વીકાર્યું હતું કે, શહેરોમાં ગાય રાખવી મુશ્‍કેલ છે. આ સ્‍થિતિમાં તેમણે સૂચન કર્યું કે જે લોકો સીધી રીતે ગાય પાળી શકતા નથી, તેઓએ ગૌશાળાઓને મદદ કરવી જોઈએ.

(10:35 AM IST)