તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ગુજરાતીઓને 'અભણ' કહેતા ચોતરફથી ઘેરાયેલા મલ્લિકાર્જુન ખડગેએ અંતે માફી માંગી : ભાજપના પ્રહાર બાદ કોંગ્રેસ અધ્યક્ષે નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો
કેરળની ચૂંટણી સભામાં ખડગેએ કહ્યું હતું કે ભાજપ અને એલડીએફ ગુજરાતના અભણ લોકોની જેમ કેરળના લોકોને મૂર્ખ નહીં બનાવી શકે

નવી દિલ્હી : કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ માટે 'અભણ' શબ્દનો પ્રયોગ કરી વિવાદ છેડનારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારે રાજકીય વિરોધ બાદ માફી માંગી છે. થોડા દિવસો પહેલા તેમણે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવતા ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા કરી કે તેમનો ઈરાદો ગુજરાતના લોકોની લાગણી દુભાવવાનો નહોતો.
**શું હતો સમગ્ર વિવાદ?**
કેરળના ઇડુક્કી જિલ્લામાં એક રેલીને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કેરળના લોકોની પ્રશંસા કરતા ગુજરાતના લોકોની તુલના કરી હતી. તેમણે કહ્યું હતું કે, "કેરળના લોકો ખૂબ જ હોશિયાર અને શિક્ષિત છે. મોદીજી અને મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ કેરળના લોકોને મૂર્ખ બનાવી શકશો નહીં". આ નિવેદન બાદ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય તોફાન મચ્યું હતું.
**ખડગેનો બચાવ અને ખેદ:**
ચોતરફથી થતી ટીકાઓ બાદ ખડગેએ બચાવ કરતા કહ્યું કે તેમના ભાષણનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમણે લખ્યું કે, "મેં હંમેશા ગુજરાતના લોકો માટે સર્વોચ્ચ સન્માન રાખ્યું છે અને રાખતો રહીશ. મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો, તેમ છતાં હું મારા નિવેદન બદલ નિષ્ઠાપૂર્વક ખેદ વ્યક્ત કરું છું".
**ભાજપનો આકરો પ્રહાર:**
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ખડગેએ એવા રાજ્યનું અપમાન કર્યું છે જેણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓ આપી છે અને દેશને વિકાસનું નવું મોડેલ આપ્યું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ પ્રશ્ન કર્યો હતો કે શું ખડગે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી જેવા નેતાઓની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે?. તેમણે કોંગ્રેસ પર 9 એપ્રિલના રોજ યોજાનારી કેરળની ચૂંટણી પહેલા 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
