<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બાંગ્‍લાદેશ ક્રિકેટમાં ભૂકંપઃ મેચ ફિક્‍સિંગમાં ૭ ખેલાડીઓ સસ્‍પેન્‍ડ, BCB અધ્‍યક્ષ પણ ઘરભેગા

ભ્રષ્ટાચારના કિસ્‍સામાં મોટો એક્‍શનઃ ક્રિકેટના આંગણેથી રમતની ગરિમાને ખરડનારા સામે કડક પગલાં લેવાયા

 

 

ઢાકા તા.૮: બાંગ્‍લાદેશના ક્રિકેટ જગતમાં હાલ એક મોટો વિવાદ વંટોળ બનીને આવ્‍યો છે. મેચ ફિક્‍સિંગ જેવા ગંભીર આરોપોમાં સંડોવાયેલા ૭ ખેલાડીઓ પર પ્રતિબંધ લાદવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલાની ગંભીરતા એટલી વધી ગઈ છે કે બીસીબી (બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડ) એ કડક વલણ અપનાવીને માત્ર ખેલાડીઓ પર જ નહીં, પરંતુ બોર્ડના મહત્‍વના હોદ્દેદારો પર પણ કાર્યવાહી કરી છે.

સીજેકેએસ ટેલેન્‍ટ કપ ૨૦૨૬ દરમિયાન શંકાસ્‍પદ રીતે આઉટ થવા બદલ તપાસ બાદ બાંગ્‍લાદેશના સાત ખેલાડીઓને મેચ ફિક્‍સિંગના દોષિત ઠેરવી પ્રતિબંધિત કરવામાં આવ્‍યા છે. આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબેદુલ આલમ, ઓમર ફારુક, તિન ધાર, માહિર અનવર, મોહમ્‍મદ ઈકબાલ અને નજમુલ ઈસ્‍લામનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અમીનુલ હક પર પણ શિસ્‍તભંગની કાર્યવાહી કરીને તમામ ક્રિકેટ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, બાંગ્‍લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્‍સપ્રેસ ફ્રેન્‍ચાઈઝી સાથે જોડાયેલા લોકોની પણ ફિક્‍સિંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્‍યું છે.

મેચ ફિક્‍સિંગના રેકેટનો પર્દાફાશ થયા બાદ તપાસમાં ૭ ખેલાડીઓની શંકાસ્‍પદ ભૂમિકા સામે આવી હતી. આ ખેલાડીઓએ રમતની પવિત્રતા સાથે ચેડાં કર્યા હોવાના પુરાવા મળતા જ બોર્ડ દ્વારા તેમને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. આ ઘટનાને કારણે બાંગ્‍લાદેશ ક્રિકેટની વૈશ્વિક સ્‍તરે ભારે બદનામી થઈ રહી છે અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર કૌભાંડ બાદ બોર્ડમાં પણ મોટા પાયે સફાયો કરવામાં આવ્‍યો છે. મેચ ફિક્‍સિંગના આ કેસમાં કથિત બેદરકારી અને જવાબદારીના અભાવે બીસીબીના અધ્‍યક્ષને પણ તેમના પદ પરથી હાંકી કાઢવામાં આવ્‍યા છે. સત્તાવાર સુત્રોના જણાવ્‍યા અનુસાર, ક્રિકેટમાં પારદર્શિતા લાવવા અને ભવિષ્‍યમાં આવા કિસ્‍સાઓ ન બને તે માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો.

બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડના નવા વહીવટકર્તાઓએ સ્‍પષ્ટ કર્યું છે કે રમત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. મેચ ફિક્‍સિંગમાં જે કોઈ પણ વ્‍યક્‍તિ સામેલ હશે, પછી તે ગમે તેટલો મોટો ખેલાડી કે અધિકારી હોય, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ મોટા માથાઓના નામ બહાર આવવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી. આ ઘટનાએ માત્ર બાંગ્‍લાદેશ જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે

(2:47 PM IST)