News of Wednesday, 8th April 2026
મોંઘવારીનો કરંટ લાગશે? RBI એ વ્યાજદરમાં તો આપી રાહત, પણ ફુગાવાના નવા આંકડાઓએ ઉડાવી દીધી ઉંઘ!
આગામી મહિનાઓમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની શકયતા

નવી દિલ્હી, તા.૮: દેશની કેન્દ્રીય બેંક RBI એ આજે સામાન્ય માણસના ખિસ્સાને ધ્યાનમાં રાખીને એક મોટો પણ મિશ્ર નિર્ણય લીધો છે. ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાનીમાં મળેલી મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને ૫.૨૫% પર સ્થિર રાખવાની જાહેરાત કરી છે. આનો સીધો અર્થ એ છે કે તમારા હોમ લોન કે કાર લોનના EMI હાલ તુરંત વધશે નહીં, જે મધ્યમ વર્ગ માટે એક મોટી રાહત સમાન છે. જોકે, આ ખુશીની પાછળ મોંઘવારીનો એક ડર પણ છુપાયેલો છે, કારણ કે બેંકે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
RBI ની આ બેઠકમાં સૌથી ચોંકાવનારી બાબત ફુગાવા નો નવો અંદાજ છે. બેંકે અગાઉ જે ફુગાવો ૨.૧% રહેવાની ધારણા રાખી હતી, તેને હવે સીધો વધારીને ૪.૬% કરી દીધો છે. ગવર્નરે ચેતવણી આપી છે કે વર્ષના અંતિમ ક્વાર્ટર સુધીમાં આ આંકડો ૫.૨% સુધી પહોંચી શકે છે. આ વધારો સૂચવે છે કે તેલ, અનાજ અને શાકભાજીના ભાવમાં જોરદાર તેજી આવવાની પૂરેપૂરી શકયતા છે. બેંકે રાહ જુઓ અને જુઓની નીતિ અપનાવી છે, એટલે કે જો મોંઘવારી કાબૂ બહાર જશે, તો ભવિષ્યમાં વ્યાજ દરો વધારતા પણ બેંક ખચકાશે નહીં.
આર્થિક નિષ્ણાતોના મતે, વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં સામાન્ય જનતા પર બેવડો માર પડી શકે છે. એકબાજુ બજારમાં વસ્તુઓ મોંઘી થશે અને બીજી બાજુ જો ફુગાવો વધ્યો તો RBI વ્યાજદરમાં વધારો કરીને EMI પણ વધારી શકે છે. અત્યારે બીજા ક્વાર્ટરમાં ૪.૦% ફુગાવાની રાહત બાદ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં જે રીતે ભાવ વધારાની આગાહી કરવામાં આવી છે, તે જોતા ગળહિણીઓના બજેટ પર મોટી અસર પડવાની આશંકા છે. કેન્દ્રીય બેંક હવે પુરવઠાની સાંકળ અને ખાદ્ય પદાર્થોના ભાવ પર કડક નજર રાખી રહી છે જેથી અર્થતંત્રમાં સંતુલન જળવાઈ રહે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
