News of Wednesday, 8th April 2026
મોબાઇલ રિચાર્જ થશે સસ્તું: TRAI ના નવા નિયમથી ટેલિકોમ કંપનીઓમાં ફફડાટ
હવે કંપનીઓએ ડેટા વગરના પ્લાન સસ્તા લાવવા પડશે : TRAI દ્વારા ટેલિકોમ ગ્રાહક સુરક્ષા નિયમન બિલ ૨૦૨૬ નો ડ્રાફ્ટ તૈયાર

નવી દિલ્હી, તા.૮: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સામાન્ય જનતાના ખિસ્સા પરનો બોજ ઘટાડવા માટે કમર કસી છે. ટ્રાઇના નવા ૧૩મા સુધારા ડ્રાફ્ટ મુજબ, હવે એરટેલ, જિયો અને વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓએ માત્ર વોઇસ કોલિંગ અને SMS માટે સાચા અર્થમાં સસ્તા પ્લાન લાવવા પડશે. અત્યાર સુધી કંપનીઓ ડેટા વગરના પ્લાનમાં પણ ઉંચા ભાવ વસૂલતી હતી, જે ડેટા પ્લાન કરતા માત્ર રૂ.૧૦૦-૨૦૦ જ સસ્તા હતા. ટ્રાઇએ આ લિપ સર્વિસ સામે લાલ આંખ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે ડેટા કાઢી નાખ્યા પછી કિંમતમાં મોટો ઘટાડો થવો જ જોઈએ.
નવા પ્રસ્તાવિત નિયમ મુજબ, ટેલિકોમ કંપનીઓએ એવા સ્પેશિયલ ટેરિફ વાઉચર લોન્ચ કરવા પડશે જે માત્ર પાયાની સુવિધાઓ એટલે કે વાતચીત અને મેસેજિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે. ઘણીવાર યુઝર્સને બિનજરૂરી ડેટા પેક ખરીદવા માટે મજબૂર કરવામાં આવે છે, પરંતુ હવે પારદર્શિતા લાવવા માટે ટ્રાઇ મક્કમ છે. જો આ ડ્રાફ્ટ અમલમાં આવશે, તો જે ગ્રાહકોને ઈન્ટરનેટની જરૂર નથી, તેમને વર્ષે હજારો રૂપિયાની બચત થઈ શકે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થશે.
હાલમાં આ ડ્રાફ્ટ અંગે તમામ ટેલિકોમ કંપનીઓ અને હિસ્સેદારો પાસેથી ૨૮ એપ્રિલ સુધીમાં મંતવ્યો માંગવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગ પણ ઈચ્છે છે કે ગ્રાહકો પર અનિચ્છનીય સર્વિસ થોપવામાં ન આવે અને બજારમાં સ્પર્ધાત્મક કિંમતે સાચો વિકલ્પ મળે. જો કંપનીઓ આ સૂચનાઓનો અમલ કરશે, તો આગામી મહિનાઓમાં ભારતીય ટેલિકોમ સેક્ટરમાં રિચાર્જ પ્લાનના દરોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
