News of Wednesday, 8th April 2026
આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા
૩ મહિનામાં જાનકી દેવીને ૨ કરોડ રૂપિયા સ્થાયી ભરણપોષણ તરીકે ચૂકવવા પડશે

ઈન્દોર,તા.૦૮: આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી દેવી વચ્ચે છેલ્લા ૮ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા છે. સાથે જ નારાયણ સાંઈને તેની પત્નીને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનો કડક આદેશ પણ આપ્યો છે.
જાનકી દેવીએ વર્ષ ૨૦૧૮માં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, નારાયણ સાંઈએ આગામી ૩ મહિનામાં જાનકી દેવીને ૨ કરોડ રૂપિયા સ્થાયી ભરણપોષણ તરીકે ચૂકવવા પડશે.
જાનકી દેવીના વકીલના જણાવ્યા મુજબ, જ્યારે ૨૦૧૮માં અરજી કરવામાં આવી હતી ત્યારે કોર્ટે વચગાળાના ભરણપોષણ તરીકે દર મહિને ૫૦ હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. જોકે, નારાયણ સાંઈએ છેલ્લા ૮ વર્ષમાં એક પણ રૂપિયો પત્નીને આપ્યો નહોતો. કોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી.
જાનકી દેવીએ પોતાની અરજીમાં નારાયણ સાંઈ પર માનસિક અત્યાચાર સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા અને ૫ કરોડ રૂપિયા ભરણપોષણની માંગણી કરી હતી. બીજી તરફ, નારાયણ સાંઈ હાલમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે અને સુરતની જેલમાં બંધ છે. માર્ચ ૨૦૨૬માં તેને કડક સુરક્ષા વચ્ચે ઈન્દોર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેના નિવેદનો નોંધાયા બાદ આ અંતિમ નિર્ણય લેવાયો છે. ૨૦૦૮માં શરૂ થયેલા લગ્નજીવનનો આ સંબંધ હવે ૨૦૨૬માં કાનૂની રીતે સમાપ્ત થઈ ગયો છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
