હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાપાનમાં નોકરી કરવા માંગતા પ્રોફેશલ્સ માટે 'રેડ એલર્ટ': ટ્રાન્સફર વિઝાના નિયમો થયા લોખંડી, હવે માત્ર ડિગ્રી નહીં પણ ટેક્સનો ઈતિહાસ પણ તપાસાશે
વિઝાના દુરુપયોગને રોકવા સાને તાકાઈચી સરકારનો મોટો નિર્ણય: કંપની ટ્રાન્સફર પર આવતા કર્મચારીઓએ હવે કામકાજના ફોટોગ્રાફ્સ અને વિગતવાર દસ્તાવેજો આપવા પડશે

ટોક્યો, તા. 8: જાપાનમાં કામ કરવા ઈચ્છતા વિદેશી નાગરિકો માટે હવે 'એન્ટ્રી' મેળવવી પહેલા જેવી સરળ નહીં રહે. જાપાન સરકારે 'ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફરી' (Intra-company Transfer) વિઝા કેટેગરી હેઠળ આવતા કર્મચારીઓ માટે સ્ક્રિનિંગ પ્રક્રિયાને અત્યંત કડક બનાવી દીધી છે. આ નવા સુધારા હેઠળ, અરજદારોના પાછલા કામકાજનો ઈતિહાસ, ટેક્સ ભરવાની નિયમિતતા અને સામાજિક સુરક્ષાના રેકોર્ડ્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
કેમ લેવાયો આ કડક નિર્ણય?
અત્યાર સુધી કંપની ટ્રાન્સફર વિઝા મેળવવા અન્ય વિઝા શ્રેણીઓ કરતા સરળ હતા, કારણ કે તેમાં કડક શૈક્ષણિક લાયકાતની જરૂર પડતી નહોતી. સરકારને શંકા છે કે ઘણા લોકો આ છટકબારીનો ઉપયોગ કરીને કોઈ ખાસ અનુભવ વગર જાપાનમાં પ્રવેશી રહ્યા છે. 2025ના અંત સુધીમાં આ શ્રેણી હેઠળ આશરે 20,000 વિદેશીઓ જાપાનમાં કાર્યરત હતા. હવે નકલી અનુભવ બતાવીને આવતા લોકોને ફિલ્ટર કરવા માટે ઈમિગ્રેશન વિભાગે કમર કસી છે.
હવે કયા પુરાવા આપવા પડશે?
નવા નિયમો મુજબ, માત્ર પાસપોર્ટ કે રહેઠાણનું પ્રમાણપત્ર પૂરતું નથી. અરજદારે જે દેશમાંથી ટ્રાન્સફર મેળવ્યું છે ત્યાંનો ટેક્સ પેમેન્ટ હિસ્ટ્રી અને સોશિયલ ઇન્શ્યોરન્સના રેકોર્ડ્સ રજૂ કરવા પડશે. એટલું જ નહીં, જાપાનમાં જે કંપનીમાં કામ કરવાનું છે તેના બિઝનેસ રજિસ્ટ્રેશન દસ્તાવેજો અને કાર્યસ્થળ (Office) ના વાસ્તવિક ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે આપવા પડશે. જો ટેક્સ ફાઈલિંગમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી જણાશે, તો વિઝા રિન્યુઅલની અરજી સીધી ફગાવી દેવામાં આવશે.
રોકાણના સમયગાળા પર પણ કાતર
સામાન્ય રીતે જાપાનમાં ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીના રહેઠાણ વિઝા આપવામાં આવે છે. પરંતુ હવે જો કોઈને લાંબા ગાળા માટે વિઝા જોઈતા હોય, તો તેમણે તેનું યોગ્ય અને સ્પષ્ટ કારણ આપવું પડશે. આ પગલું જાપાનના ઇમિગ્રેશન ધોરણોને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાની વ્યાપક રણનીતિનો એક ભાગ છે.
સરકારના આ કડક વલણને કારણે હવે જે લોકો સાચા અર્થમાં કુશળ છે અને નિયમોનું પાલન કરે છે તેમને જ જાપાનમાં લાંબો સમય રહેવાની તક મળશે. વિઝા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે લેવાયેલો આ નિર્ણય ટૂંક સમયમાં જ અમલી બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
