<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ન્યૂ યોર્કમાં હોમલેન્ડ સિક્યુરિટીનો અધિકારી બની ભારતીય યુવકે ખેલ્યો 'ગંદા ખેલ': 2 લાખ ડોલરની છેતરપિંડીના આરોપમાં તુષાર શર્માની ધરપકડ

'તમારા નામે ધરપકડનું વોરંટ છે' કહી પીડિતાને ડરાવી અને પડાવ્યા કરોડો રૂપિયા: પોલીસની ફિલ્મી સ્ટાઈલ જાળ બિછાવીને આરોપીને રંગેહાથ ઝડપ્યો

ન્યૂ યોર્ક, તા. 8: ન્યૂ યોર્કમાં રહેતા 23 વર્ષીય ભારતીય મૂળના યુવક તુષાર શર્માએ એક પીડિતાને સરકારી અધિકારી બનીને લૂંટવાનો જે કીમિયો અપનાવ્યો હતો, તેનો અંત જેલની કોટડીમાં આવ્યો છે. ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસે તુષારની $200,000 (અંદાજે 1.66 કરોડ રૂપિયા) ની નકલી છેતરપિંડી કરવાના ગંભીર આરોપસર ધરપકડ કરી છે.
વોરંટનો ડર બતાવીને રોકડા પડાવ્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તુષાર શર્માએ પીડિતાને ફોન કરીને પોતે 'હોમલેન્ડ સિક્યુરિટી' વિભાગનો પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો હતો. તેણે પીડિતાને ખોટું કહ્યું હતું કે તેના નામે મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ધરપકડનું વોરંટ નીકળ્યું છે. ધરપકડથી બચવા માટે તેણે પીડિતાને બેંકમાંથી મોટી રકમ ઉપાડીને બેઈનબ્રિજ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મૂકવા દબાણ કર્યું હતું. પીડિતા ડરના માર્યા બે વાર મોટી રકમ તેને સોંપી પણ ચૂકી હતી.
ત્રીજી મુલાકાતમાં પોલીસનો છાપો
1 એપ્રિલના રોજ તુષારે પીડિતાને ફરીથી $100,000 લેવા માટે બેઈનબ્રિજ બોલાવી હતી. આ વખતે પીડિતાને મળવા માટે તે પોતે 'કાયદા અમલીકરણ અધિકારી' બનીને પહોંચ્યો હતો. જોકે, ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસના ટ્રુપર્સ ત્યાં પહેલેથી જ ગોઠવાયેલા હતા. જેવો તુષાર પૈસા લેવા આવ્યો, પોલીસે તેને દબોચી લીધો અને બધી જ રકમ જપ્ત કરી લીધી હતી.
વરિષ્ઠ નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો
તુષાર શર્મા સામે ગ્રાન્ડ ચોરી સહિતના અનેક ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા છે. તેને હાલ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ તેણે 20 એપ્રિલ, 2026 ના રોજ કોર્ટમાં હાજર થવું પડશે. ન્યૂ યોર્ક પોલીસે આ મામલે ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈ પણ સરકારી સંસ્થા કે પોલીસ ક્યારેય ફોન પર પૈસાની માંગણી કરતી નથી. કૌભાંડીઓ ઘણીવાર વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવે છે અને ગિફ્ટ કાર્ડ કે ક્રિપ્ટોકરન્સીમાં પૈસા માંગે છે, જે છેતરપિંડીની નિશાની છે.
પોલીસને શંકા છે કે તુષાર શર્માએ અન્ય લોકોને પણ આ જ રીતે લૂંટ્યા હોઈ શકે છે, તેથી તેનો ફોટો જાહેર કરીને અન્ય પીડિતોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

(4:19 PM IST)