હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ટ્રમ્પ અને નેતન્યાહૂ યુદ્ધથી થાક્યા છે, પણ ઈરાન નહીં': અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન, ઈરાનની 10-મુદ્દાની યોજનાએ વિશ્વમાં જગાવી ચર્ચા
પાકિસ્તાનની મધ્યસ્થીથી બે અઠવાડિયા માટે શાંતિના પગરવ: હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિતની શરતો સાથે ઈરાને 'મહાન વિજય'નો કર્યો દાવો, વૈશ્વિક નેતાઓની બોડી લેંગ્વેજ પર રાઉતે સાધ્યું નિશાન

મુંબઈ : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હવે રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે. શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા દાવો કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટે ભારે દબાણ છે કારણ કે મોટાભાગના વૈશ્વિક નેતાઓ હવે યુદ્ધથી થાકી ગયા છે. મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે કહ્યું કે, "શાંતિ માટેના પ્રયાસો સ્પષ્ટ દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂની બોડી લેંગ્વેજ બતાવે છે કે તેઓ કંટાળ્યા છે, પરંતુ ઈરાન હજુ પણ મક્કમતાથી ઉભું છે."
ઈરાનનો 'મહાન વિજય' અને 10-મુદ્દાની યોજના
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે આ યુદ્ધવિરામને પોતાની મોટી જીત ગણાવી છે. ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા તેની 10-મુદ્દાની યોજના સ્વીકારવા મજબૂર બન્યું છે. આ યોજનાના મુખ્ય અંશોમાં હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું નિયંત્રણ, પરમાણુ સંવર્ધનના અધિકારોની માન્યતા, તમામ પ્રતિબંધો હટાવવા અને આ ક્ષેત્રમાંથી અમેરિકી દળોની વાપસી જેવી કડક શરતોનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા હુમલા બંધ રાખશે, તો ઈરાન પણ પોતાની રક્ષણાત્મક કામગીરી અટકાવી દેશે.
મધ્યસ્થી અને હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ સાથેની મંત્રણા બાદ આ યુદ્ધવિરામ શક્ય બન્યો છે. આ કરાર અંતર્ગત વિશ્વના તેલ વેપાર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરીથી ખોલવામાં આવશે. સંજય રાઉતે આ પ્રક્રિયાને આવકારતા કહ્યું કે મધ્ય પૂર્વના રાષ્ટ્રોમાં સતત તણાવને કારણે જે આર્થિક અને માનવીય નુકસાન થઈ રહ્યું હતું, તેનાથી બચવા માટે શાંતિ અનિવાર્ય છે.
ઈરાનની 10-મુદ્દાની યોજના પર એક નજર:
• હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું વર્ચસ્વ જાળવી રાખવું.
• ઈરાન પરના તમામ પ્રાથમિક અને ગૌણ પ્રતિબંધો હટાવવા.
• પરમાણુ સંવર્ધન માટે ઈરાનના અધિકારોનો સ્વીકાર.
• પ્રદેશમાંથી અમેરિકી લડાયક દળોની સંપૂર્ણ વાપસી.
• લેબનોન સહિતના તમામ મોરચે યુદ્ધનો અંત લાવવો.
• સંયુક્ત રાષ્ટ્ર અને IAEA ના વિરોધી ઠરાવો સમાપ્ત કરવા.
સંજય રાઉતના મતે, વૈશ્વિક શક્તિઓ પર વધી રહેલું આર્થિક દબાણ આ યુદ્ધવિરામ પાછળનું મુખ્ય કારણ છે. હવે જોવાનું એ રહેશે કે ઇસ્લામાબાદમાં થનારી આગામી વાટાઘાટોમાં આ 10 મુદ્દાઓ પર કોઈ કાયમી સમજૂતી સધાય છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
