<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

"ભાઈ, આ ભારત નથી, ગંદકી ન કરો": નેપાળના રસ્તા પર ગુટખાની પિચકારી મારતા ભારતીય પ્રવાસીઓને સ્થાનિકે ખખડાવ્યા, ડાઘા સાફ કરાવીને માફી મંગાવી

"તમે આટલા મોટા દેશથી આવો છો અને અહીં આવીને ગંદકી કરો છો?": નેપાળી નાગરિકનો વીડિયો વાયરલ થતા ભારતીયોમાં નાગરિક સમજ મુદ્દે ઉગ્ર ચર્ચા, પ્રવાસીઓના વર્તનથી દેશની છબી ખરડાઈ

કાઠમંડુ : સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે જે દરેક ભારતીય પ્રવાસી માટે આંખ ઉઘાડનારો છે. નેપાળના એક જાહેર રસ્તા પર કારમાં જઈ રહેલા ભારતીય પ્રવાસીઓએ ચાલતી ગાડીએ ગુટખા ખાઈને રસ્તા પર થૂંક્યું હતું. આ જોઈને એક સ્થાનિક નેપાળી નાગરિકે તુરંત તેમની ગાડી રોકાવી હતી અને અત્યંત કડક શબ્દોમાં તેમનો ઉધડો લીધો હતો. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
નેપાળી નાગરિકનો મક્કમ અવાજ
વીડિયોમાં જોઈ શકાય છે કે નેપાળી વ્યક્તિ પ્રવાસીઓને ઠપકો આપતા કહે છે કે, "આ ભારત નથી ભાઈ, નેપાળ છે, અહીં ગંદકી ન કરો. તમે આટલા મોટા દેશથી આવો છો અને અહીં આવીને ગંદકી કરો છો તે યોગ્ય નથી." સ્થાનિક વ્યક્તિની મક્કમતા જોઈને કારમાં બેઠેલા ભારતીય પ્રવાસીઓ નરમ પડ્યા હતા. આખરે, એક પ્રવાસીએ ગાડીમાંથી ઉતરીને પાણીની બોટલ વડે રસ્તા પર પડેલા ગુટખાના ડાઘા સાફ કરવા પડ્યા હતા અને માફી માંગી હતી.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો ધોધ
આ વીડિયો વાયરલ થતા જ નેટીઝન્સમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. મોટાભાગના લોકોએ નેપાળી નાગરિકની હિંમત અને સ્વચ્છતા પ્રત્યેની તેની જાગૃતિના વખાણ કર્યા છે. ઘણા ભારતીય યુઝર્સે લખ્યું કે, "આપણા દેશમાં પણ આવા લોકોની જરૂર છે જે ગંદકી કરનારાઓને જાહેરમાં પાઠ ભણાવે." તો કેટલાક લોકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, મુઠ્ઠીભર લોકોની આવી હરકતોને કારણે આખા દેશની છબી વિદેશમાં ખરડાય છે.
નાગરિક જવાબદારીનો પાઠ
આ ઘટનાએ પ્રવાસીઓના વર્તન અને નાગરિક સમજણ વિશે નવી ચર્ચા છેડી છે. વિદેશમાં ફરવા જતી વખતે આપણે માત્ર પ્રવાસી નથી હોતા, પરંતુ આપણા દેશના એમ્બેસેડર પણ હોઈએ છીએ. રસ્તા પર ગંદકી કરવી કે સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ દેશનું અપમાન સમાન છે. આ વાયરલ વીડિયોએ એ યાદ અપાવ્યું છે કે સ્વચ્છતા અને સ્થાનિક ધોરણોનું સન્માન કરવું એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે.
હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર શિસ્ત અને દેશપ્રેમનો એક મોટો પાઠ બનીને ફરી રહ્યો છે. ગંદકી સાફ કરતા ભારતીય પ્રવાસીનો આ વીડિયો અન્ય લોકો માટે ચેતવણી સમાન છે કે ગમે ત્યાં ગંદકી કરવી હવે મોંઘી પડી શકે છે.

(6:32 PM IST)