હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મણિપુર હિંસા: CRPF ગોળીબારમાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો : રોકેટ હુમલામાં માસૂમ ભાઈ-બહેનના મોતથી આક્રોશ
કુકી આતંકવાદીઓના ઘાતકી હુમલા બાદ સુરક્ષા દળો અને રોષે ભરાયેલા ટોળા વચ્ચે અથડામણ : વહીવટીતંત્રે આવશ્યક સેવાઓ માટે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવ્યો

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર લોહિયાળ હિંસા ફાટી નીકળી છે, જેમાં CRPF ના ગોળીબારમાં ઈજાગ્રસ્ત 31 વર્ષીય યુવાન વાંગહેંગબામ બોબીનું સારવાર દરમિયાન મોત નીપજતા કુલ મૃત્યુઆંક 3 થયો છે. હિંસાની શરૂઆત ત્યારે થઈ જ્યારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લામાં રોકેટ દ્વારા ગોળો ફેંક્યો, જે સીધો એક ઘર પર પડતા 5 વર્ષના માસૂમ બાળક અને તેની માત્ર 6 મહિનાની બહેનનું કરુણ મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
માસૂમ બાળકોના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા ગુસ્સે ભરાયેલા ટોળાએ ચુરાચંદપુર સ્થિત CRPF કેમ્પ પર હુમલો કરી તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અથડામણમાં મંગળવારે બે લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે વધુ એક યુવાનનું હોસ્પિટલમાં મોત થતા સ્થિતિ ગંભીર બની છે. સુરક્ષા દળોએ આ મામલે અત્યાર સુધીમાં ત્રણ શકમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં પ્રવર્તતી અશાંતિ વચ્ચે સરકારે શિક્ષણ, આરોગ્ય અને સરકારી કામકાજને ધ્યાનમાં રાખીને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવાઓ શરતી રીતે શરૂ કરી છે. જોકે, સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ન ફેલાય તે માટે મોબાઈલ ડેટા પર હજુ પણ કડક નજર રાખવામાં આવી રહી છે. હાલ ઇમ્ફાલ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત સખત કરી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ફરી નિયમોનું ઉલ્લંઘન થશે તો સેવાઓ ત્વરિત બંધ કરી દેવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
