<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બ્રહ્માંડના 'ભક્ષક' હવે ભૂખ્યા તરસ્યા! બ્લેક હોલના વિકાસની ગતિ 22 ગણી ધીમી પડી, 10 અબજ વર્ષોથી કદ કેમ નથી વધ્યું તેનું રહસ્ય ખુલ્યું

NASA એ બ્લેક હોલને 'ચોરી' કરતા પકડ્યા: બ્રહ્માંડમાંથી ઠંડો ગેસ ખતમ થતા સુપરમાસિવ બ્લેક હોલના 'સુવર્ણ યુગ'નો અંત, 13 લાખ આકાશગંગાઓના ડેટાએ વૈજ્ઞાનિકોને પણ ચોંકાવ્યા

નવી દિલ્હી : બ્રહ્માંડમાં જેનું ગુરુત્વાકર્ષણ પ્રકાશને પણ છોડતું નથી, તેવા શક્તિશાળી બ્લેક હોલ હવે પહેલા જેવા 'ભૂખ્યા' રહ્યા નથી. વૈજ્ઞાનિકોના મતે, બ્રહ્માંડના સૌથી મોટા સુપરમાસિવ બ્લેક હોલના વિકાસનો દર છેલ્લા ૧૦ અબજ વર્ષોમાં નાટકીય રીતે ઘટી ગયો છે. 'ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ' માં પ્રકાશિત નવા અભ્યાસ મુજબ, આ વિશાળ કાળા છિદ્રો હવે ૨૨ ગણી ધીમી ગતિએ વધી રહ્યા છે. આનું સૌથી મોટું કારણ બ્રહ્માંડમાં ઉપલબ્ધ 'ખોરાક' એટલે કે ઠંડા ગેસની અછત છે.
બ્રહ્માંડની 'બપોર' પછી બધું શાંત થયું
વૈજ્ઞાનિકો બિગ બેંગ પછીના શરૂઆતના થોડા અબજ વર્ષોને 'કોસ્મિક બપોર' (Cosmic Noon) તરીકે ઓળખાવે છે. આ એ સમય હતો જ્યારે બ્રહ્માંડમાં ઠંડા ગેસનો પુષ્કળ જથ્થો હતો, જે બ્લેક હોલ માટે મુખ્ય ઈંધણ હતું. તે સમયે બ્લેક હોલ અત્યંત ઝડપથી વધતા હતા અને અબજો સૂર્ય જેટલા વિશાળ બની જતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ આ ગેસનું પ્રમાણ ઘટતું ગયું અને બ્લેક હોલનું 'ગ્રોથ એન્જિન' ધીમું પડી ગયું.
એક્સ-રે ટેલિસ્કોપે ખોલ્યા રહસ્યો
નાસાના ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી અને eROSITA જેવા અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા ૧૩ લાખ તારાવિશ્વો (Galaxies) અને ૮,૦૦૦ સક્રિય બ્લેક હોલના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું કે બ્લેક હોલ સંકોચાઈ રહ્યા નથી, પરંતુ તેમને ખાયા માટે જરૂરી કાચી સામગ્રી જ નથી મળી રહી. આ ડેટા સૂચવે છે કે બ્રહ્માંડ હવે પહેલા જેટલું 'યુવાન' અને સક્રિય રહ્યું નથી, તે ધીમે ધીમે શાંતિ અને સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે.
તારાવિશ્વોના ભવિષ્ય પર અસર
બ્લેક હોલ માત્ર એક બિંદુ નથી, પરંતુ તે આખી આકાશગંગાના કેન્દ્રમાં રહીને તેના વિકાસને નિયંત્રિત કરે છે. બ્લેક હોલના વિકાસની ગતિ ધીમી થવાથી નવા તારાઓ બનવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ શકે છે. મોટાભાગના વિશાળ બ્લેક હોલ ૭ અબજ વર્ષ પહેલા જ બની ગયા હતા, હવે નવા સુપરમાસિવ બ્લેક હોલ બનવાની શક્યતા નહિવત છે.
આ સંશોધન બ્રહ્માંડના ઉત્ક્રાંતિને સમજવામાં માઈલસ્ટોન સાબિત થશે. વિજ્ઞાનીઓ હવે એ જાણવા મથશે કે આ ગેસના અભાવે ભવિષ્યમાં આકાશગંગાઓના સ્વરૂપમાં કેવા ફેરફારો આવશે. હાલ પૂરતું તો એટલું કહી શકાય કે બ્રહ્માંડના આ અદ્રશ્ય દાનવો હવે ડાયેટિંગ કરવા મજબૂર બન્યા છે.

(8:17 PM IST)