હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફ્રાન્સનો ગોલ્ડ માસ્ટરસ્ટ્રોક: અમેરિકામાં રાખેલું સોનું વેચીને પેરિસમાં નવું ખરીદ્યું, એક ઝાટકે ₹1.38 લાખ કરોડનો જંગી નફો કર્યો
ટ્રાન્સપોર્ટેશન અને રિફાઇનિંગના ખર્ચ વગર જ તિજોરી ભરાઈ ગઈ: જૂના સ્ટાન્ડર્ડના ગોલ્ડ બારને બદલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સોનું વસાવ્યું, ફ્રાન્સની આર્થિક ચાલથી દુનિયાભરના દેશો અચંબિત

પેરિસ : ફ્રાન્સની સેન્ટ્રલ બેંક 'Banque de France' એ સોનાના સંચાલન (Gold Management) મામલે વિશ્વભરના દેશો માટે એક મોટો દાખલો બેસાડ્યો છે. ફ્રાન્સે અમેરિકાના ન્યૂયોર્ક ખાતે વર્ષોથી જમા રાખેલું પોતાનું ૧૨૯ ટન સોનું ત્યાં જ વેચી દીધું અને તેટલા જ મૂલ્યનું નવું, આધુનિક સ્ટાન્ડર્ડનું સોનું યુરોપિયન માર્કેટમાંથી ખરીદીને સીધું પેરિસમાં જમા કરી લીધું છે. આ એક સ્માર્ટ ચાલ દ્વારા ફ્રાન્સે ૧૨.૮ અબજ યુરો એટલે કે અંદાજે ૧.૩૮ લાખ કરોડ રૂપિયાનો ધરખમ નફો મેળવ્યો છે.
જોખમ અને ખર્ચ વગર સ્માર્ટ અપગ્રેડ
સામાન્ય રીતે દેશો વિદેશમાં રાખેલું સોનું પરત લાવવા માટે લાખો રૂપિયા ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા પાછળ ખર્ચે છે. વળી, ફ્રાન્સ પાસે રહેલું સોનું જૂના સ્ટાન્ડર્ડના ગોલ્ડ બાર હતા, જેને આધુનિક ધોરણો મુજબ રિફાઇન કરવામાં પણ મોટો ખર્ચ અને સમય લાગે તેમ હતો. જુલાઈ ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન જ્યારે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે હતા, ત્યારે ફ્રાન્સે આ તકનો લાભ ઉઠાવીને ૨૬ અલગ-અલગ હપ્તામાં આ સોનું વેચી દીધું અને તેની જગ્યાએ પેરિસમાં જ નવું સોનું ખરીદીને પોતાનો ભંડાર આધુનિક બનાવી લીધો.
એક જ વર્ષમાં બેંકની આર્થિક સ્થિતિ બદલાઈ
આ સોદાના કારણે Banque de France ના નફામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૫ માં બેંકે ૮.૧ અબજ યુરોનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે તેના અગાઉના વર્ષના ૭.૭ અબજ યુરોના નુકસાનની સરખામણીએ જબરદસ્ત સુધારો દર્શાવે છે. બેંકના ગવર્નર ફ્રાન્કોઈસ વિલેરોય ડી ગાલહૌએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય રાજકીય નહીં પણ સંપૂર્ણપણે પ્રેક્ટિકલ અને આર્થિક હતો. હવે ફ્રાન્સ પાસે કુલ ૨,૪૩૭ ટન સોનું છે અને આ બધો જ જથ્થો હવે પેરિસમાં સુરક્ષિત રીતે સંગ્રહિત છે.
જર્મની સહિત અન્ય દેશોમાં ચર્ચા તેજ
ફ્રાન્સના આ પગલા બાદ હવે જર્મની જેવા દેશોમાં પણ ચર્ચા શરૂ થઈ છે, જેમનું સોનું હજુ પણ અમેરિકામાં જમા છે. ઘણા નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાની અનિશ્ચિત નીતિઓ વચ્ચે સોનાને પોતાના દેશમાં રાખવું વધુ સુરક્ષિત છે. ફ્રાન્સે એ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય સમયે સચોટ વ્યૂહરચના અપનાવવામાં આવે, તો સોનું માત્ર તિજોરીમાં પડી રહેલી વસ્તુ નથી, પરંતુ તે અર્થતંત્રને મજબૂત કરવાની મોટી તાકાત પણ બની શકે છે.
ફ્રાન્સ હજુ પણ તેની પાસે રહેલા બાકીના ૧૩૪ ટન જૂના સોનાને વર્ષ ૨૦૨૮ સુધીમાં આ જ રીતે આધુનિક સ્ટાન્ડર્ડમાં બદલવાની યોજના ધરાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
