હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો નવો 'ટેરિફ બોમ્બ': ઈરાનને હથિયાર આપનારા દેશોની ખેર નથી, અમેરિકા ઝીંકશે 50% ટેક્સ!
યુદ્ધવિરામની આડમાં આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક:ટ્રમ્પે ચીન અને રશિયા જેવા દેશોને આપી સીધી ચેતવણી : કાં તો અમેરિકા સાથે વેપાર કરો અથવા ઈરાન સાથે દોસ્તી નિભાવો

તેહરાન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આખી દુનિયાને હચમચાવી દેતો એક નવો આદેશ બહાર પાડ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ દેશ આ શાંતિના સમયગાળા દરમિયાન ઈરાનને લશ્કરી શસ્ત્રો કે યુદ્ધ સામગ્રી પૂરી પાડશે, તો અમેરિકા તે દેશમાંથી આવતી તમામ ચીજવસ્તુઓ પર તાત્કાલિક અસરથી 50% નો જંગી ટેરિફ (આયાત જકાત) લાદી દેશે. આ જાહેરાતને ટ્રમ્પની 'આર્થિક રણનીતિ'નો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે, જેના દ્વારા તેઓ ગોળીબાર વગર જ ઈરાનની સપ્લાય લાઇન કાપી નાખવા માંગે છે.
ટ્રમ્પના આ "ટેરિફ બોમ્બ" એ વૈશ્વિક બજારોમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આનું સીધું નિશાન ચીન, રશિયા અને તુર્કી જેવા દેશો છે જે ઈરાન સાથે સંરક્ષણ સંબંધો ધરાવે છે. 50% ટેરિફનો અર્થ એ છે કે તે દેશોનો માલ અમેરિકામાં એટલો મોંઘો થઈ જશે કે તેમનું વેચાણ રાતોરાત ઠપ થઈ શકે છે. ઉપપ્રમુખ જે.ડી. વાન્સે આ કરારને "નાજુક શાંતિ" ગણાવ્યો છે, જેનો અર્થ એ છે કે અમેરિકા ઈરાનને શ્વાસ લેવાનો સમય તો આપી રહ્યું છે, પણ સાથે સાથે તેની લશ્કરી તાકાત ફરીથી ઉભી ન થાય તે માટે આર્થિક ગાળિયો પણ કસી રહ્યું છે.
આ વ્યૂહરચના પાછળનો મુખ્ય હેતુ ઈરાનને વિશ્વ સ્તરે એકલું પાડી દેવાનો અને તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાશ કરવાનો છે. ટ્રમ્પની આ ધમકીએ ઈરાનના વેપારી ભાગીદારોને ધર્મસંકટમાં મૂકી દીધા છે—તેમણે હવે નક્કી કરવાનું છે કે તેઓ અમેરિકા જેવા મોટા બજાર સાથેનો વેપાર બચાવવા માંગે છે કે ઈરાન સાથેની સૈન્ય ભાગીદારી. નિષ્ણાતો માને છે કે જો આ ટેરિફ લાગુ થશે, તો તે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે અને યુદ્ધવિરામના આ બે અઠવાડિયા વિશ્વના ઇતિહાસમાં સૌથી નિર્ણાયક સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
