News of Wednesday, 8th April 2026
બાળ તસ્કરી પર સુપ્રીમની તલવાર: રાજ્ય સરકારોને છેલ્લી વોર્નિંગ, 'હવે એક્શન લો અથવા પરિણામ ભોગવો'
દેશભરમાં બાળ તસ્કરીની બેકાબૂ ઘટનાઓ પર સર્વોચ્ચ અદાલતનું કડક વલણ : ગૃહ સચિવોને ગેંગ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવા અને તંત્રની નિષ્ક્રિયતા ખંખેરવા સખત આદેશ

નવી દિલ્હી: દેશભરમાં માસૂમ બાળકોના અપહરણ અને તસ્કરીના વધી રહેલા ગંભીર કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. વિવિધ રાજ્યોના ગૃહ સચિવોને ફટકાર લગાવતા કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકારો અત્યારે નહીં જાગે તો પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની જશે. અદાલતે અવલોકન કર્યું કે બાળ તસ્કરી કરતી ગેંગ અત્યારે દેશભરમાં નેટવર્ક ફેલાવીને સક્રિય છે, જે રાષ્ટ્ર માટે કલંક સમાન છે. કોર્ટે રાજ્ય સરકારોને તેમની 'ઈચ્છાશક્તિ' પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ માત્ર કાયદાનો વિષય નથી, પણ માનવતાનો ગંભીર મુદ્દો છે જેને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે પૂરતી સત્તા હોવા છતાં અમલીકરણમાં મોટી ખામીઓ જોવા મળી રહી છે. જસ્ટિસે ટિપ્પણી કરી કે, "કોર્ટ તરીકે અમે ફક્ત દેખરેખ રાખી શકીએ અને દિશાનિર્દેશો આપી શકીએ, પરંતુ જમીની સ્તરે ગેંગને પકડવાનું અને બાળકોને બચાવવાનું કામ ગૃહ વિભાગ અને પોલીસનું જ છે." દરરોજ સામે આવતા તસ્કરીના અહેવાલો એ બાબતનો પુરાવો છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. કોર્ટે દરેક રાજ્યના ગૃહ વિભાગના વડાઓને આ મામલે વ્યક્તિગત જવાબદારી લેવા તાકીદ કરી છે.
અદાલતે વધુમાં ઉમેર્યું કે બાળકોના રેસ્ક્યુ ઓપરેશનના સફળ કિસ્સાઓ દર્શાવે છે કે જો તંત્ર ધારે તો આ દૂષણને જડમૂળથી ઉખેડી શકાય તેમ છે. કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ તસ્કરી રોકવા માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવે અને આંતરરાજ્ય ગેંગ પર નજર રાખવા માટે પડોશી રાજ્યો સાથે સંકલન સાધે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે નિયમિત મોનિટરિંગ કરવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે હવે દર પંદર દિવસે અથવા મહિનાના અંતે રાજ્યોએ કરેલી કાર્યવાહીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો પડશે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
