<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ભારત-જાપાનની મેગા બેંકિંગ ડીલ: શ્રીરામ ફાઇનાન્સના ટેકે જાપાનીઝ દિગ્ગજ MUFG એ ભારતમાં જમાવ્યો પગ!

₹39,618 કરોડનું ઐતિહાસિક વિદેશી રોકાણ: જાપાનની સૌથી મોટી બેંકે શ્રીરામ ફાઇનાન્સમાં 20% હિસ્સો ખરીદ્યો : ભારતીય NBFC સેક્ટરમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો

મુંબઈ: ભારતીય ફાઇનાન્શિયલ માર્કેટમાં આજે એક મોટો ધડાકો થયો છે. જાપાનની સૌથી શક્તિશાળી બેંક MUFG (મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રુપ) એ ભારતીય NBFC ક્ષેત્રની દિગ્ગજ કંપની શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ (SFL) માં 20% હિસ્સો ખરીદીને સૌને ચોંકાવી દીધા છે. બુધવારે થયેલા આ ₹39,618 કરોડના સોદાને ભારત અને જાપાન વચ્ચેના નાણાકીય સંબંધોમાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. કંપનીના બોર્ડે પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા શેર ફાળવણીને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત MUFG એ પ્રતિ શેર ₹840.93 ના ભાવે અંદાજે 471.1 મિલિયન શેર પોતાના નામે કર્યા છે.

આ સોદો માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ ભારતના ગ્રામીણ અને સેમી-અર્બન લોન માર્કેટ પર જાપાનની પકડ મજબૂત કરવાની વ્યૂહરચના છે. શ્રીરામ ફાઇનાન્સ પાસે MSME (લઘુ અને મધ્યમ ઉદ્યોગો) અને રિટેલ લોન ક્ષેત્રે વિશાળ ગ્રાહક આધાર છે, જ્યારે MUFG પાસે વૈશ્વિક સ્તરની કુશળતા અને સસ્તું ભંડોળ છે. શ્રીરામ ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન ઉમેશ રેવણકરે જણાવ્યું હતું કે, આ મૂડી રોકાણથી કંપનીનો મૂડી આધાર અત્યંત મજબૂત થશે અને જોખમ વ્યવસ્થાપનની વૈશ્વિક પ્રથાઓ ભારતમાં લાવવામાં મદદ મળશે. MUFG માટે પણ આ રોકાણ ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્રમાં પોતાની હાજરી વિસ્તારવાની સુવર્ણ તક છે.

સ્પર્ધા પંચ અને અન્ય નિયમનકારી મંજૂરીઓ બાદ પૂર્ણ થયેલો આ વ્યવહાર ભારતીય શેરબજાર માટે પણ સકારાત્મક સંકેત છે. MUFG ના સીઈઓ જુનિચી હંઝાવાએ ભારતીય બજારની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, શ્રીરામ ફાઇનાન્સનું મજબૂત નેટવર્ક અને જાપાનની આર્થિક શક્તિ સાથે મળીને ભારતીય મધ્યમ વર્ગ માટે ધિરાણના નવા માર્ગો ખુલશે. આ ડીલથી શ્રીરામ ફાઇનાન્સની લોન આપવાની ક્ષમતા વધશે, જેનો સીધો ફાયદો નાના ઉદ્યોગસાહસિકો અને સામાન્ય ગ્રાહકોને સસ્તી લોનના રૂપમાં મળી શકે છે.

(8:23 PM IST)