News of Wednesday, 8th April 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આંગણે ગૌ-સેવાનું મહાપર્વ : અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના ૩૧માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી હનુમાન દાદાના ચરણોમાં ₹૧૦ કરોડની ગૌ-સેવા અર્પણ કરી
સાળંગપુર ધામના ૨૮ એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની ૧૩૦ વર્ષ જૂની વિખ્યાત "DeLaval" કંપનીના સહયોગથી ₹૧૫ કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે

રાજકોટ તા.૮
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંતભાઈ અંબાણીના ૩૧માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના ચરણોમાં ₹૧૦ કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી :સાળંગપુર ધામના ૨૮ એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની ૧૩૦ વર્ષ જૂની વિખ્યાત "DeLaval" કંપનીના સહયોગથી ₹૧૫ કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે.
મુખ્ય યજમાન
આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે. અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય *શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા* નિર્માણ કાર્ય એક‘અવિસ્મરણીય સંભારણું’ બનાવવામાં આવશે.
ગૌ-સેવા પરમ ધર્મ
આ ગૌશાળામાં ૫૦૦ ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં.
કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીનો સંદેશ
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, "દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતુશ્રી કોકિલાબા, મુકેશભાઈ, નીતાબેન, આકાશભાઈ-શ્લોકાબેન, ઈશાબેન-આણંદભાઈ તથા અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે." અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે.તેમ વહીવટી કાર્યાલય,શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરની યાદીમાં જણાવાયું છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
