તા. ૩૧ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧૩ મંગળવાર
ઈરાનનો 'રાજદ્વારી ખેલ' ખુલ્લો પડ્યો: યુદ્ધવિરામના દસ્તાવેજોમાં ભાષા બદલીને રમી 'ડબલ ગેમ', ફારસી અને અંગ્રેજી પ્રસ્તાવમાં મોટો તફાવત
પોતાની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ? ફારસી દસ્તાવેજમાં પરમાણુ અધિકારોની જીદ પણ અંગ્રેજી અનુવાદમાં તે ગાયબ, ટ્રમ્પની 15-મુદ્દાની યોજના પર દુનિયાની નજર

તેહરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૪ દિવસના યુદ્ધવિરામની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ હવે અસલી જંગ કાગળ પર અને શબ્દોની રમતથી શરૂ થઈ છે. ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલા ૧૦-મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં એક મોટું 'ભાષાકીય કૌભાંડ' સામે આવ્યું છે. અહેવાલો મુજબ, ઈરાને પોતાની જનતા માટે ફારસી ભાષામાં જે દસ્તાવેજ જારી કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે અંગ્રેજી અનુવાદ આપ્યો છે, તે બંનેમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો છે.
શું છે આ 'વ્યૂહાત્મક અસ્પષ્ટતા'?
ફારસી ભાષામાં લખાયેલા મૂળ દસ્તાવેજમાં ઈરાને સ્પષ્ટપણે માંગ કરી છે કે અમેરિકા યુરેનિયમ સંવર્ધનના તેના અધિકારને કાયદેસરની માન્યતા આપે. જોકે, નવાઈની વાત એ છે કે જ્યારે આ જ દસ્તાવેજનો અંગ્રેજી અનુવાદ દુનિયા સામે મૂકવામાં આવ્યો, ત્યારે તેમાંથી 'પરમાણુ અધિકારો' વાળી આ મુખ્ય શરત ગાયબ હતી. નિષ્ણાતો તેને ઈરાનની 'વ્યૂહાત્મક અસ્પષ્ટતા' (Strategic Ambiguity) ગણાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે ઈરાન ઘરઆંગણે પોતે ઝૂક્યું નથી તેવું સાબિત કરવા માંગે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે લવચીક હોવાનો ડોળ કરી રહ્યું છે.
ટ્રમ્પની કડક શરતો અને 15-મુદ્દાનો પ્રસ્તાવ
બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ૧૫ મુદ્દાનો અત્યંત કડક પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં નાતાન્ઝ અને ફોર્ડો જેવા પરમાણુ સ્થળોને નિષ્ક્રિય કરવા, બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પર લગામ કસવી અને હિઝબુલ્લાહ જેવા જૂથોને ટેકો બંધ કરવાની શરતો સામેલ છે. ટ્રમ્પે આ સમજૂતીને અમેરિકા માટે '૧૦૦ ટકા વિજય' ગણાવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને આર્થિક માંગણીઓ
ઈરાને આ યુદ્ધવિરામ વચ્ચે પણ પોતાની આર્થિક શરતો મૂકી છે. ઈરાન ઈચ્છે છે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા દરેક જહાજ દીઠ ૨ મિલિયન ડોલરની ફી વસૂલવામાં આવે. આ રકમનો ઉપયોગ યુદ્ધ પછીના પુનર્નિર્માણ માટે કરવાની ઈરાનની યોજના છે. આ ઉપરાંત, અમેરિકામાં ફ્રીઝ થયેલી ઈરાની સંપત્તિને તાત્કાલિક મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે.
આ ભાષાકીય વિવાદને કારણે યુદ્ધવિરામની સ્થિરતા પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. જો બંને દેશો દસ્તાવેજોની ભાષા પર એકમત નહીં થાય, તો આગામી ૪૮ કલાકમાં ફરીથી તણાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
