<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પાકિસ્તાનમાં મડદાંઓને પણ નસીબ નથી શાંતિ: લઘુમતી કબ્રસ્તાનોમાં જગ્યા ખૂટી પડતા જૂની કબરો ખોદીને નવા શબ દફનાવવાની નોબત

ભૂ-માફિયાઓના અતિક્રમણ અને સરકારની ઉદાસીનતા વચ્ચે પેશાવરના ખ્રિસ્તી, હિન્દુ અને શીખ સમુદાયો પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બની રહ્યા છે : વસાહતી કાળના જૂના કબ્રસ્તાનો હવે હાઉસફુલ થતા નૈતિક અને ધાર્મિક કટોકટી સર્જાઈ

પેશાવર:  પાકિસ્તાનમાં વસતા લઘુમતી સમુદાયો માટે હવે જીવવું તો ઠીક, પણ મર્યા પછી બે ગજ જમીન મેળવવી પણ એક મોટી જંગ સમાન બની ગઈ છે. પેશાવર જેવા ઐતિહાસિક શહેરોમાં ખ્રિસ્તી સમુદાયના કબ્રસ્તાનોમાં જગ્યાની એટલી ભયંકર અછત સર્જાઈ છે કે લોકોએ મજબૂરીમાં પોતાના સ્વજનોને દફનાવવા માટે જૂની કબરો ખોદવી પડી રહી છે. વર્ષો જૂના અસ્થિઓને બહાર કાઢી, તે જ ખાડામાં નવા મૃતદેહોને દફનાવવાની આ પ્રક્રિયા માત્ર પીડાદાયક નથી, પરંતુ અત્યંત અપમાનજનક પણ છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, 1947 પહેલાના ગોરા કબ્રસ્તાન અને વઝીર બાગ જેવા સ્થાનો હવે તેમની ક્ષમતા કરતા વધુ ભરાઈ ગયા છે, જેના કારણે પરિવારો વચ્ચે વિવાદો પણ વધી રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ વસ્તીમાં વધારો અને કબ્રસ્તાનની જમીન પર વધતું જતું અતિક્રમણ છે. સ્થાનિક લેક્ચરર ઇમરાન યુસુફ મસીહ અને અન્ય કાર્યકરોનો આક્ષેપ છે કે શક્તિશાળી ભૂ-માફિયાઓએ કબ્રસ્તાન માટે ફાળવેલી જમીનો પચાવી પાડી છે, જેના કારણે લઘુમતીઓ પાસે સીમિત જગ્યા જ બાકી રહી છે. બ્રિટિશ કાળમાં જ્યારે આ કબ્રસ્તાનો બન્યા ત્યારે વસ્તી ખૂબ ઓછી હતી, પરંતુ આજે દાયકાઓ પછી વસ્તી અનેકગણી વધી ગઈ હોવા છતાં નવી જમીન ફાળવવામાં આવી નથી. આ માત્ર નૈતિક પ્રશ્ન નથી, પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓના માનવાધિકારો અને તેમના અસ્તિત્વના મૂલ્ય પર પણ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.

રાજકીય મોરચે પણ નિરાશા જ હાથ લાગી છે. ખૈબર પખ્તુનખ્વાની સરકારોએ સમયાંતરે લઘુમતીઓ માટે સ્મશાનગૃહો અને કબ્રસ્તાનોના વિકાસ માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાતો કરી છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગઈ છે. હિન્દુ અને શીખ સમુદાયો પણ સ્મશાન ઘાટના અભાવે આવી જ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સામાજિક કાર્યકર હારૂન સરબદયાલના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા 1.13 અબજ પાકિસ્તાની રૂપિયાનું વચન અપાયું હોવા છતાં જમીન પર કોઈ નક્કર કામગીરી દેખાતી નથી. પરિણામે, પોતાના પ્રિયજનોની અંતિમ વિદાય વખતે પણ આ સમુદાયોએ અપમાન અને માનસિક આઘાતનો સામનો કરવો પડી રહ્યો છે.

(10:10 PM IST)