હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેરૂતમાં ઇઝરાયેલનું તાંડવ: હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ૮૭ નિર્દોષોના મોત અને ૭૦૦થી વધુ લોહીલુહાણ થતા હોસ્પિટલો ટૂંકી પડી
ભીષણ બોમ્બમારાથી ધ્રૂજી ઉઠ્યું બેરૂતનું કોલા ક્ષેત્ર: વડાપ્રધાને વિશ્વ પાસે માંગી જીવનદાનની ભીખ

નવી દિલ્હી : લેબનોનની રાજધાની બેરૂત આજે સવારે યુદ્ધના ભયાનક અવાજોથી થથરી ઉઠી હતી. ઇઝરાયલી વાયુસેનાના ફાઈટર જેટ્સે શહેરના અત્યંત ગીચ ગણાતા કોલા વિસ્તાર પર એક પછી એક અનેક મિસાઇલો છોડીને આખા વિસ્તારને સ્મશાનવત બનાવી દીધો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલય દ્વારા મળતી પ્રારંભિક અને હૃદયદ્રાવક માહિતી મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં ૮૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૭૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.
ઇઝરાયેલના આ આક્રમક વલણ સામે લેબનોનના વડાપ્રધાને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે દુનિયા શાંતિની આશા રાખતી હતી ત્યારે ઇઝરાયેલે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને માનવતાને નેવે મૂકી છે. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની વાતો ચાલી રહી હતી અને લેબનોને તેનું સ્વાગત પણ કર્યું હતું, પરંતુ ઇઝરાયેલે આ તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો અને શાંતિની અપીલોને ઠોકરે મારી દીધી છે. વડાપ્રધાને દાવો કર્યો છે કે ઇઝરાયેલ જાણીજોઈને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બોમ્બમારો કરી રહ્યું છે, જેમાં શસ્ત્રો વગરના લાચાર નાગરિકો, મહિલાઓ અને બાળકો ભોગ બની રહ્યા છે.
વર્તમાન પરિસ્થિતિને જોતા લેબનોને હવે વૈશ્વિક સ્તરે 'મદદની પોકાર' પાડી છે. લેબનોનના નેતૃત્વએ તમામ મિત્ર દેશો અને પ્રાદેશિક શક્તિઓને હસ્તક્ષેપ કરવા માટે ભાવુક અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો આ હુમલાઓ તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો આખું મધ્ય પૂર્વ રાખમાં ફેરવાઈ જશે. એક તરફ હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી આર્થિક મોરચે સંકટ છે, તો બીજી તરફ બેરૂતમાં થઈ રહેલો આ નરસંહાર લેબનોનને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વના તાકતવર દેશો માત્ર નિવેદનો આપશે કે પછી ઇઝરાયેલના આ પલટવારને રોકવા માટે કોઈ નક્કર પગલાં ભરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
