હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંજાબના રાજકારણમાં નવજોત કૌર સિદ્ધુનો મોટો ધડાકો: 'ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી' સાથે ચૂંટણી જંગમાં ઉતરશે, રાઘવ ચઢ્ઢાના વખાણ કરી વિપક્ષી ખેમામાં જગાવી ચર્ચા
"હું હોઈશ મુખ્યમંત્રી પદનો ચહેરો": નવજોત કૌરે નવી પાર્ટીની જાહેરાત સાથે વિરોધીઓને પડકાર્યા, રાહુલ-પ્રિયંકાને ભાઈ-બહેન ગણાવ્યા પણ કોંગ્રેસ નેતૃત્વ સામે વ્યક્ત કરી નારાજગી

ચંદીગઢ : પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય સમીકરણો ઝડપથી બદલાવા લાગ્યા છે. પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 'ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી' ની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ નવી પાર્ટી તરફથી પંજાબમાં મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વિશે કરેલી ટિપ્પણીએ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો શરૂ કરી દીધા છે.
રાઘવ ચઢ્ઢા વિશે શું કહ્યું?
તાજેતરમાં રાઘવ ચઢ્ઢાને AAP દ્વારા રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે પૂછવામાં આવતા નવજોત કૌરે કહ્યું કે, "રાઘવ ચઢ્ઢા એક સારા વ્યક્તિ છે અને તેમણે સંસદમાં ખૂબ જ સારા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પછી તે મોદીજી હોય કે રાહુલ ગાંધી, જે પણ સારું કામ કરશે તેની હું પ્રશંસા કરીશ." તેમણે ઉમેર્યું હતું કે ચઢ્ઢાએ ઉઠાવેલા મુદ્દાઓ વ્યાજબી હતા, પરંતુ પાર્ટીની અંદરના વિવાદો પર તેમણે વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
કોંગ્રેસ પ્રત્યે પ્રેમ પણ નેતૃત્વથી અંતર
નવજોત કૌરે ભાવુક થતા કહ્યું હતું કે, "હું હજુ પણ રાહુલ ગાંધીને મારા ભાઈ અને પ્રિયંકા ગાંધીને બહેન માનું છું. મને તેમના માટે ખૂબ પ્રેમ છે." જોકે, તેમણે કોંગ્રેસના હાઈકમાન્ડ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે પંજાબમાં શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે તેમણે રાહુલ ગાંધીને મળવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ કે.સી. વેણુગોપાલે તેમની મુલાકાત થવા દીધી નહોતી. કોઈએ તેમની વાત સાંભળી નહીં, જેના કારણે તેમણે આ નવો માર્ગ પસંદ કરવો પડ્યો છે.
પાર્ટી અને સિદ્ધુની ભૂમિકા
નવજોત કૌરે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ નવી પાર્ટી નથી, તે ૨૦૧૫ પહેલાની જ છે અને તેનું પ્રતીક 'કાતર' છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે નવજોત સિંહ સિદ્ધુનો આ પાર્ટી સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, "સિદ્ધુજી અત્યારે તેમના ટીવી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ૨૦૨૨ થી તેમને કોઈ મીટિંગમાં બોલાવવામાં આવ્યા નથી કે પૂછવામાં આવ્યું નથી."
આમ, સિદ્ધુ પરિવારમાં હવે પત્નીએ સક્રિય રાજકારણની ધૂરા સંભાળી લીધી છે. પંજાબના ખેડૂતો અને જનતા વચ્ચે નવજોત કૌર પોતાની નવી પાર્ટી સાથે કેટલી અસર ઉભી કરી શકે છે, તેના પર હવે સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
