<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બાબા બર્ફાનીના ભક્તો માટે ખુશખબર: ૧૫ એપ્રિલથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ : જાણો સંપૂર્ણ વિગતો

દેશભરની ૫૫૪ બેંક શાખાઓમાં શિવભક્તો કરાવી શકશે એડવાન્સ નોંધણી; ૨૯ જૂનથી પ્રથમ પૂજા સાથે ભક્તિમય માહોલ જામશે અને રક્ષાબંધને યાત્રા પૂર્ણ થશે

જમ્મુ: શિવભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. હિમાલયની ગોદમાં બિરાજતા બાબા અમરનાથની ૨૦૨૬ની વાર્ષિક યાત્રા માટે એડવાન્સ નોંધણી આગામી ૧૫ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે યાત્રાળુઓની સુવિધા માટે દેશભરમાં પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની કુલ ૫૫૪ શાખાઓને અધિકૃત કરવામાં આવી છે. ભક્તોએ યાત્રા માટે પોતાનો રૂટ (પહેલગામ અથવા બાલતાલ) પસંદ કરીને સમયસર નોંધણી કરાવવી પડશે.

નોંધણીની પ્રક્રિયાને લઈને બોર્ડે ચુસ્ત નિયમો જાહેર કર્યા છે. યાત્રામાં જોડાવા ઈચ્છતા દરેક શ્રદ્ધાળુએ માન્ય ડોક્ટર પાસેથી 'કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ' મેળવવું અનિવાર્ય છે અને તે ૯ એપ્રિલ ૨૦૨૬ પછી જારી કરાયેલું હોવું જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો, ૧૩ વર્ષથી ઓછી અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેમજ ૬ અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓ આ યાત્રામાં જોડાઈ શકશે નહીં. નોંધણી ફી પ્રતિ યાત્રાળુ ૧૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને સમગ્ર પ્રક્રિયા બાયોમેટ્રિક્સ આધારિત રહેશે, જેથી સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે.

આ વર્ષે યાત્રાનો પ્રારંભ ભલે જૂનના અંતમાં થાય, પરંતુ ૨૯ જૂને વિધિવત રીતે પ્રથમ પૂજા યોજાશે. યાત્રાના રૂટ પર સુરક્ષા માટે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન) ટેગ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના વિના યાત્રાની પરવાનગી મળશે નહીં. જો તમે મિત્રો કે પરિવાર સાથે 'ગ્રુપ રજીસ્ટ્રેશન' કરાવવા માંગતા હોવ, તો ૫ થી ૩૦ સભ્યોના જૂથ માટે પણ ૧૫ એપ્રિલથી ૨૦ મે સુધી અરજી કરી શકાય છે. ભક્તિ અને સાહસના આ સંગમ સમાન યાત્રા ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે સંપન્ન થશે.

(10:24 PM IST)