<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ઢોંગીબાબાને ચાર વર્ષની સખત કેદઃ ૧૫૦૦૦નો દંડ

મહિલાઓનું જાતીય શોષણ અને છેતરપિંડી

પુણે,તા.૯: ‘પૈસાનો વરસાદ વરસાવી'ને શ્રીમંત બનાવવાને બહાને મહિલાઓ સાથે છેતરપિડી આચરવા અને તેમનું જાતીય શોષણ કરવા બદલ બારામતીની કોર્ટે મિલિદ જાધવ નામના ઢોંગીબાબાને ચાર વર્ષની સખત કેદ અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

બારામતીમાં આરોપી મિલિદ જાધવે પૈસાનો વરસાદ વરસાવીને શ્રીમંત બનાવવાના મહિલાઓને સપનાં દેખાડ્‍યાં હતાં. આ માટે તેણે અઘોરી પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં મહિલાઓનું પૂજાના નામે જાતીય શોષણ કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત પૂજા માટે લાગનારી સામગ્રી અને વિધિને નામે તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્‍યા હતા.

દરમિયાન છેતરાયેલી મહિલાઓએ બારામતી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર ધનશ્રી ભગતે આ મામલાની તપાસ કરીને અદાલતમાં પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલે સાત સાક્ષીદારને ચકાસ્‍યા હતા. જિલ્‍લા ન્‍યાયાધીશ એસ.આર. પાટીલે બંને પક્ષોની દલીલ સાંભળ્‍યા બાદ આરોપી મિલિદ જાધવને દોષી ઠેરવ્‍યો હતો અને તેને ચાર વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો હતો

(10:13 AM IST)