<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

પ્રાઈવેટ પાર્ટમાં એરગનથી ભરી હવાઃ શરીરના અંદરના અંગો ફાટવાથી મોત

ગુરુગ્રામમાં મજાક બની જીવલેણઃ ઘણીવાર મસ્‍તીમાં જીવ સાથે રમત થઈ જાય છે

ગુરુગ્રામ તા.૯: આજકાલ મજાક મજાકમાં લોકો એવી હદ પાર કરે છે કે પછી પસ્‍તાવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્‍તો નથી બચતો. ઘણીવાર મસ્‍તીમાં જીવ સાથે રમત થઈ જાય છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ ગંભીર પરિણામ તરફ દોરી જાય છે. ત્‍યારે હરિયાણાના ગુરુગ્રામમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્‍સના પ્રાઈવેટ પાર્ટમાં એરગનથી હવા ભરવાને કારણે તેનું મોત નીપજ્‍યું હતું. આ ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુગ્રામના ખેડકી દૌલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની છે. આજ રોજ પોલીસને હોસ્‍પિટલમાંથી માહિતી મળી હતી કે, હરવિદર નામના એક ૩૮ વર્ષીય વ્‍યક્‍તિનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્‍યારે પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી અને તપાસ શરૂ કરી, ત્‍યારે જે સત્‍ય સામે આવ્‍યું તેણે સૌને ચોંકાવી દીધા છે.

મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી હરવિદર, ગુરુગ્રામના સેક્‍ટર-૮૨A સ્‍થિત એક વર્કશોપમાં કામ કરતો હતો. ફરિયાદ મુજબ, કામ દરમિયાન તેના જ એક સહકર્મીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપીએ પીડિતના શરીરમાં એરગન/પાઈપથી જોરદાર દબાણ સાથે હવા ભરી દીધી, જેના કારણે હરવિદરની હાલત બગડી ગઈ અને હોસ્‍પિટલમાં તેણે દમ તોડી દીધો. મૃતકની ઓળખ ૩૮ વર્ષીય હરવિદર તરીકે થઈ છે. તે યુપીના અલીગઢનો રહેવાસી હતો. તો બીજી તરફ આરોપીની ઓળખ નરેશ કુમાર તરીકે થઈ છે. તેની ઉંમર ૪૦ વર્ષ છે. તે રાજસ્‍થાનના ડીંગનો રહેવાસી છે.

પોલીસની સીન ઓફ ક્રાઈમ અને ફિગરપ્રિન્‍ટ ટીમોએ ઘટનાસ્‍થળનું ચોકસાઈથી નિરીક્ષણ કર્યું. મામલાની ગંભીરતાને જોતા ખેડકી દૌલા પોલીસે દરોડો પાડ્‍યો અને માત્ર ગણતરીના કલાકોની અંદર આરોપી નરેશ કુમારને રામપુરા વિસ્‍તારમાંથી ઝડપી લીધો હતો.

શરૂઆતની પૂછપરછમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે. આરોપી નરેશે જણાવ્‍યું કે, તે બંને વચ્‍ચે કોઈ વાતને લઈને મજાક-મજાકમાં બોલાચાલી થઈ હતી. ગુસ્‍સામાં આવીને તેણે એરપાઈપથી પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દીધી હતી, હવાનું દબાણ વધુ હોવાથી હરવિદરના અંદરના અંગો ફાટી ગયા અને તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી અત્‍યારે તેમની કસ્‍ટડીમાં છે અને મામલાની ઊંડી તપાસ ચાલુ છે

(10:21 AM IST)