હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ
મતદારોમાં ભારે ઉત્સાહઃ ઠેર-ઠેર લાંબી લાઈનો : અનેક દિગ્ગજોએ કર્યુ મતદાનઃ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમા કેદ

નવી દિલ્હી, તા.૯: દેશના ત્રણ મહત્વના પ્રદેશો - આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં ઐતિહાસિક મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સવારે ૭ વાગ્યાથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જે સાંજે ૬ વાગ્યા સુધી અવિરત ચાલુ રહેશે. આસામની ૧૨૬ બેઠકો, કેરળની ૧૪૦ અને પુડુચેરીની ૩૦ બેઠકો પર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થશે. આ સાથે જ કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, જોકે ગોવાની બેઠક પર હાઈકોર્ટના આદેશ બાદ મતદાન સ્થગિત રખાયું છે. ચૂંટણી પંચે આ વખતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદાનને વધુ રસપ્રદ બનાવ્યું છે, જેમાં પુડુચેરીમાં નીલા નામના રોબોટ દ્વારા મતદારોનું સ્વાગત કરવામાં આવતા ભારે આકર્ષણ જમ્યું છે.
આસામમાં શાસક ભાજપ ગઠબંધન અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહિત અનેક દિગ્ગજો મેદાનમાં છે. રાજ્યમાં ૩૧,૯૪૦ થી વધુ મતદાન મથકો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતદાન થઈ રહ્યું છે, જ્યાં ૧.૫ લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત છે. બીજી તરફ, કેરળમાં પરંપરાગત હરીફો LDF અને UDF ની સાથે ભાજપ પણ પોતાની મજબૂત હાજરી નોંધાવવા મથી રહ્યું છે. રાજ્યના ૨.૭ કરોડ મતદારો આજે ૮૮૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખર અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામી જેવા નેતાઓએ વહેલી સવારે જ મતદાન કરીને લોકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા અપીલ કરી હતી.
ચૂંટણી પંચે મહિલાઓ અને યુવા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પુડુચેરીમાં ૩૦ થી વધુ મતદાન મથકો સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે, જેને પિંક બૂથ નામ આપવામાં આવ્યું છે. આસામમાં સીમાંકન બાદની આ પ્રથમ ચૂંટણી હોવાથી રાજકીય સમીકરણો પણ બદલાયા છે, જેની સીધી અસર મતદાનની ટકાવારી પર જોવા મળી રહી છે. બપોર સુધીમાં તમામ સ્થળોએ સરેરાશથી વધુ મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે જનતા પરિવર્તન અથવા સાતત્ય માટે જાગળત છે. આ મહાચૂંટણીના પરિણામો આગામી ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે, જે દેશના રાજકીય ફલક પર દૂરગામી અસરો પાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
