<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ભારતીય મૂળની મહિલાને ૧૫ વર્ષની સજા!

હોલિવૂડ સ્‍ટાર મેથ્‍યુ પેરી મોત કેસમાં : કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્‍વીન'

લોસ એન્‍જલસની ,તા.૦૯:  લોસ એન્‍જલસની અદાલતે 'ફ્રેન્‍ડ્‍સ' ટીવી શોના સ્‍ટાર મેથ્‍યુ પેરીના મૃત્‍યુ માટે જવાબદાર મહિલાને ૧૫ વર્ષની જેલની સજા ફટકારી છે. 'કેટામાઇન ક્‍વીન' તરીકે કુખ્‍યાત ૪૨ વર્ષીય જસવીન સંઘાએ મેથ્‍યુને જીવલેણ ડ્રગ્‍સ સપ્‍લાય કર્યા હતા.

ભારતીય મૂળની જસવીન સંઘા બ્રિટનમાં ૧૯૮૩માં પંજાબી પરિવારમાં જન્‍મી હતી. અમેરિકા અને બ્રિટનની બેવડી નાગરિકતા ધરાવતી જસવીન હોલીવુડની હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓને ડ્રગ્‍સ પૂરા પાડતી હતી. તે પોતાને ‘VIP સેલિબ્રિટીઝ' માટેની ‘સ્‍પેશિયલ ડીલર' તરીકે ઓળખાવતી હતી. સુપરહિટ શો ફ્રેન્‍ડ્‍સમાં ચાન્‍ડલર બિગની ભૂમિકા ભજવતો મેથ્‍યુ પેરી લાંબા સમયથી ડ્રગ્‍સના વ્‍યસન સામે લડી રહ્યો હતો. ઓક્‍ટોબર, ૨૦૨૩માં લોસ એન્‍જલસ ઘરના હોટ ટબમાં તેનો મૃતદેહ મળી આવ્‍યો હતો. તપાસમાં જણાયું હતું કે કેટામાઇનના ઓવરડોઝને કારણે તેનું મૃત્‍યુ થયું હતું. જસવીન સંઘાએ મેથ્‍યુના મૃત્‍યુના ચાર દિવસ પહેલાં તેને (તેના અંગત સહાયક મારફતે) $૬,૦૦૦ માં કેટામાઇનની ૨૫ બોટલો વેચી હતી. તેણીના ઘરે દરોડા દરમિયાન પોલીસને કેટામાઇનની ૭૯ બોટલો, મેથામ્‍ફેટામાઇનની હજારો ગોળીઓ અને કોકેન મળી આવ્‍યા હતા. તેણી પાસે પૈસા ગણવાનું મશીન અને ડ્રગ્‍સ પેક કરવાનો સામાન પણ હતો. મેથ્‍યુ પેરીની સાવકી માતા ડેબી પેરીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘જસવીનને કારણે અમને કદી ન પુરાય એવી ખોટ પડી છે. કૃપા કરીને આ નિર્દય મહિલાને મહત્તમ સજા આપો.'

મેથ્‍યુના સાવકા પિતાએ પણ મેથ્‍યુના અકાળ મૃત્‍યુ બાબતે બહુ અફસોસ વ્‍યક્‍ત કર્યો હતો.  જસવીન સંઘા કોર્ટમાં રડી પડી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું દરરોજ માફી માંગું છું. મારા નિર્ણયોએ લોકોના જીવન બરબાદ કર્યા છે.' જોકે, ન્‍યાયાધીશે એ વાતની નોંધ લીધી હતી કે તેણીએ ધરપકડ બાદ કોઈ પસ્‍તાવો દર્શાવ્‍યો ન હતો, જેના કારણે તેને ૧૫ વર્ષની સજા કરવામાં આવી છે.

(2:44 PM IST)