<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

શાહબાઝ-મુનીર માટે નોબેલની માંગઃ પાકિસ્‍તાની મીડિયાનો નવો હાસ્‍યાસ્‍પદ દાવો

સોશિયલ મીડિયા પર ઉડી મજાક ઈરાન-અમેરિકા વચ્‍ચેના ૧૪ દિવસના કામચલાઉ યુદ્ધવિરામનો સંપૂર્ણ શ્રેય લેવા ઈસ્‍લામાબાદમાં પડાપડી

ઇસ્‍લામાબાદ, તા.૯: વૈશ્વિક રાજકારણમાં જ્‍યારે પણ કોઈ મોટી ઘટના બને, ત્‍યારે પાકિસ્‍તાન તેમાં પોતાનો શ્રેય શોધવા માટે જાણીતું છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્‍ચે જાહેર થયેલા ૧૪ દિવસના યુદ્ધવિરામ બાદ પાકિસ્‍તાની મીડિયામાં એક અજીબોગરીબ મોજું ફરી વળ્‍યું છે. પાકિસ્‍તાની ન્‍યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધવિરામ માત્ર ને માત્ર ઇસ્‍લામાબાદની મધ્‍યસ્‍થીને કારણે જ શકય બન્‍યો છે. આટલેથી ન અટકતા, મીડિયામાં હવે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને આ મહાન કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્‍કાર આપવાની માંગણી પણ શરૂ થઈ ગઈ છે.

ટ્રમ્‍પના એક નિવેદનને પકડીને પાકિસ્‍તાની તંત્ર હવામાં કિલ્લા બાંધી રહ્યું હોય તેવું જણાય છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઉલ્લેખ કર્યો હતો કે તેમણે પાકિસ્‍તાની નેતળત્‍વની વિનંતીને ધ્‍યાનમાં રાખીને હુમલા રોકવાનો નિર્ણય લીધો છે. બસ, આટલા જ વાકય પર પાકિસ્‍તાની એન્‍કરોએ એવી વાર્તા વણી લીધી કે જાણે આખું વિશ્વ હવે પાકિસ્‍તાનના ઈશારે ચાલી રહ્યું છે. જ્‍યારે વાસ્‍તવિકતા એ છે કે તુર્કી, ચીન, સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોએ પણ પડદા પાછળ મહત્‍વની રાજદ્વારી ભૂમિકા ભજવી છે. પાકિસ્‍તાનની આ માંગણી પર સોશિયલ મીડિયા યુઝર્સ ભારે કટાક્ષ કરી રહ્યા છે, કેટલાક તો તેને શ્રેષ્ઠ કોમેડી શો ગણાવી રહ્યા છે.

આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ઇસ્‍લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો વચ્‍ચે બેઠક યોજાવાની છે. શાહબાઝ શરીફે આને ઇસ્‍લામાબાદ વાટાઘાટો નામ આપીને પોતાની પીઠ થાબડવાનું શરૂ કરી દીધું છે. જોકે, નિષ્‍ણાતો માને છે કે આ યુદ્ધવિરામ અત્‍યંત નાજુક છે અને પાકિસ્‍તાન પોતાની આંતરિક આર્થિક અને રાજકીય કટોકટી પરથી ધ્‍યાન હટાવવા માટે આ પ્રકારના મોટા દાવા કરી રહ્યું છે. જે દેશ પોતે દેવામાં ડૂબેલો હોય અને આંતરિક સુરક્ષાના ફાંફા હોય, તે વિશ્વશાંતિના નોબેલ પુરસ્‍કારની માંગણી કરે તેને વિશ્વ એક રમુજ તરીકે જોઈ રહ્યું છે.

(4:00 PM IST)