હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ વસ્તી ગણતરી 2027: હવે સરકાર પૂછશે તમારા ઘરની 'અંદરની' વિગતો! રસોડાની ટાઇલ્સથી લઈ ઈન્ટરનેટ સુધીની તમામ માહિતી આપવી પડશે
દેશમાં પહેલીવાર હાઈટેક રીતે થશે માનવ મહેરામણની ગણતરી; 33 પ્રશ્નોના સચોટ જવાબ નહીં આપનાર સામે કાયદેસરના પગલાંની તૈયારી

નવી દિલ્હી: તા.9 ભારતમાં આગામી વસ્તી ગણતરી માત્ર આંકડાઓની રમત નહીં હોય, પરંતુ તે દરેક ભારતીયના જીવનધોરણનો આરીસો બનશે. વર્ષ 2027 માં યોજાનારી આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે 'ડિજિટલ અવતાર' માં જોવા મળશે. કેન્દ્ર સરકારે આ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને આગામી 13 એપ્રિલથી ગણતરીકારોને બ્લોક સ્તરે સઘન તાલીમ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવશે.
તમારા ઘરની સુવિધાઓ પર રહેશે સરકારની નજર
આ વખતે ગણતરીકારો તમારા ઘરે આવીને માત્ર પરિવારના સભ્યોની સંખ્યા જ નહીં પૂછે, પરંતુ તમારા ઘરની આંતરિક સ્થિતિની પણ વિગતવાર નોંધ લેશે.
· રહેણીકરણીની વિગત: ઘરની દિવાલો શેની બનેલી છે? છત અને ફ્લોરિંગમાં કેવું મટીરીયલ વપરાયું છે?
· રસોડું અને શૌચાલય: ઘરમાં અલગ રસોડું છે કે નહીં? રસોઈ માટે ગેસ વાપરો છો કે લાકડા? શૌચાલયની સુવિધા અને તેના પ્રકાર વિશે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.
· જળ સ્ત્રોત: પીવાનું પાણી ક્યાંથી આવે છે અને તેની ગુણવત્તા કેવી છે, તે પણ આ ડેટાનો ભાગ બનશે.
ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ: ગેજેટ્સ અને વાહનોનો હિસાબ
વસ્તી ગણતરીમાં આ વખતે બદલાતા સમયની અસર જોવા મળશે. સરકાર જાણવા માંગે છે કે કેટલા ભારતીયો ડિજિટલ યુગ સાથે જોડાયેલા છે.
· પરિવાર પાસે લેપટોપ, કમ્પ્યુટર કે સ્માર્ટફોન છે?
· ઘરમાં ઈન્ટરનેટ કનેક્શન છે કે નહીં?
· વાહનોમાં સાયકલથી લઈને કાર અને મોટરસાયકલ સુધીની વિગતો નોંધવામાં આવશે.
નોંધનીય છે કે, આ તમામ ડેટા એન્ટ્રી માટે એક મોબાઈલ નંબર પણ લેવામાં આવશે, જેથી ડેટા સચોટ રહે.
પોતાની વિગતો જાતે જ ભરી શકશો (Self-Enumeration)
આ આધુનિક ગણતરીની સૌથી આકર્ષક બાબત એ છે કે નાગરિકોને 'સેલ્ફ-એન્યુમરેશન' નો વિકલ્પ મળશે. એટલે કે, જો તમે ઈચ્છો તો સરકારી પોર્ટલ પર જઈને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જાતે જ સબમિટ કરી શકશો. આનાથી ગણતરીકારોનો સમય બચશે અને ડેટા વધુ સચોટ બનશે.
ખોટી માહિતી આપતા પહેલા વિચારજો!
વસ્તી ગણતરી કાયદો 1948 હેઠળ પૂછવામાં આવેલા 33 પ્રશ્નોના સાચા જવાબ આપવા ફરજિયાત છે. જો કોઈ નાગરિક જાણીજોઈને ખોટી વિગતો આપશે અથવા સરકારી કર્મચારીને સહકાર નહીં આપે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
આ ડેટાનો ઉપયોગ આગામી દાયકા માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પાયાની સુવિધાઓનું માળખું તૈયાર કરવા માટે કરવામાં આવશે. ટૂંકમાં, તમારી એક સાચી માહિતી દેશના વિકાસની નીતિ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
