હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના અરરિયામાં લોહીની હોળી: પાર્કિંગના નજીવા વિવાદમાં સત્તુ વેચનારે ડ્રાઇવરની ગરદન કાપી નાખી, ઉશ્કેરાયેલા ટોળાએ હત્યારાને પણ મોતને ઘાટ ઉતાર્યો
ફોર્બ્સગંજના ભરચક બજારમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ; ગણતરીની મિનિટોમાં બે જિંદગીઓ હોમાઈ જતાં સમગ્ર પંથકમાં સન્નાટો

અરરિયા: તા.૯ બિહારના અરરિયા જિલ્લાના ફોર્બ્સગંજમાં આજે માનવતા શર્મસાર થાય તેવી એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ વચ્ચે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા આ કિસ્સામાં, વાહન પાર્ક કરવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી બોલાચાલી બે વ્યક્તિઓના કરુણ મોતમાં પરિણમી છે. ભરચક શાકભાજી બજારમાં લોકોની નજર સામે જ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.
તીક્ષ્ણ છરીથી ડ્રાઇવરનું ગળું ચીરી નાખ્યું
ઘટનાની વિગતો મુજબ, ફોર્બ્સગંજ બજારમાં એક પિક-અપ વાહન પાર્ક કરવા બાબતે વાહન ચાલક અને ત્યાં જ સત્તુ (શેકેલા ચણાનો લોટ) વેચતા રાહુલ ચૌહાણ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. ગુસ્સા પર કાબૂ ગુમાવી બેઠેલા રાહુલ ચૌહાણે અચાનક પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. રાહુલે એટલી ક્રૂરતાથી ડ્રાઇવરની ગરદન કાપી નાખી કે તેનું માથું ધડથી અલગ થવાની અણી પર આવી ગયું હતું. ગંભીર રીતે ઘાયલ ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ તરફડિયાં મારીને મોત નીપજ્યું હતું.
ભીડ બની બેકાબૂ: હત્યારાને પણ રહેંસી નાખ્યો
આ ભયાનક દ્રશ્ય જોઈને બજારમાં હાજર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈ હત્યારા રાહુલ ચૌહાણને ઘેરી લીધો હતો. લોકોએ તેને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. ભીડ એટલી બેકાબૂ હતી કે પોલીસ પહોંચે તે પહેલાં જ રાહુલ ચૌહાણને લોહીલુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
પોલીસ છાવણીમાં ફેરવાયું બજાર
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ધોળા દિવસે થયેલી આ બેવડી હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
માત્ર એક વાહન પાર્કિંગના વિવાદમાં આ પ્રકારે બે લોકોના જીવ જવાથી સ્થાનિક તંત્ર અને સામાજિક માનસિકતા પર અનેક સવાલો ઉભા થયા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
