હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બારામતીમાં ખેલાશે ‘ઈમોશનલ કાર્ડ’: અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર સુનેત્રા પવાર બિનહરીફ ચૂંટાશે? કોંગ્રેસ પણ મેદાન છોડવા તૈયાર!
સુપ્રિયા સુલેની હૃદયસ્પર્શી અપીલ બાદ રાજકીય સમીકરણો બદલાયા; દેવેન્દ્ર ફડણવીસે પણ કોંગ્રેસ નેતા સાથે વાત કરી સુનેત્રા પવાર માટે માર્ગ મોકળો કરવા કરી વિનંતી

બારામતી: તા.૯ મહારાષ્ટ્રના રાજકારણના પાવર સેન્ટર ગણાતા બારામતીમાં અત્યારે ભાવુક અને રોમાંચક રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. અજિત પવારના આકસ્મિક અવસાન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં હવે જંગને બદલે ‘સન્માન’ની લહેર જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસ આ બેઠક પરથી સુનેત્રા પવાર સામે પોતાના ઉમેદવાર આકાશ મોરેનું નામાંકન પાછું ખેંચી શકે છે, જેનાથી સુનેત્રા પવારની બિનહરીફ જીતનો માર્ગ પ્રશસ્ત થશે.
સુપ્રિયા સુલેની ભાવુક અપીલ
આ સમગ્ર હિલચાલ પાછળ અજિત પવારના બહેન અને NCP-SP ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલેની એક પોસ્ટ કારણભૂત હોવાનું મનાય છે. સુલેએ સોશિયલ મીડિયા પર સ્વર્ગસ્થ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, "અજિત દાદાની રાજકીય સફર કોંગ્રેસથી શરૂ થઈ હતી અને તેમણે હંમેશા તેની સાથે આદરણીય સંબંધ જાળવ્યો હતો. આ દુઃખની ઘડીમાં, બારામતીની ચૂંટણી બિનહરીફ યોજવી એ તેમના જાહેર સેવાના વારસાને સાચી શ્રદ્ધાંજલિ હશે."
ફડણવીસ અને રોહિત પવાર પણ એક્શનમાં
માત્ર પરિવાર જ નહીં, પરંતુ ભાજપ અને NCP ના અન્ય નેતાઓ પણ સુનેત્રા પવારના સમર્થનમાં આગળ આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાતે કોંગ્રેસના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે વિનંતી કરી છે કે લોકશાહીની ગરિમા અને અજિત પવારના સન્માનમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર પાછો ખેંચે. બીજી તરફ, રોહિત પવારે પણ કોંગ્રેસ નેતાઓની મુલાકાત લઈને પોતાની કાકી (સુનેત્રા પવાર) માટે સમર્થન માંગ્યું છે.
કોંગ્રેસ લઈ શકે છે મોટો નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રા પવારે પોતે પણ વિરોધ પક્ષના નેતાઓ સાથે વાત કરીને સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અત્યારે આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે વિચારણા કરી રહ્યું છે. જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર આકાશ મોરેનું નામ પાછું ખેંચશે, તો બારામતીમાં કોઈપણ પ્રકારના મતદાન વગર સુનેત્રા પવાર વિજેતા જાહેર થશે.
બારામતીમાં હંમેશા પવાર પરિવાર અને રાજકારણનો પ્રભાવ રહ્યો છે, પરંતુ આ વખતે લડાઈ મતના બદલે મનની જોવા મળી રહી છે. આગામી કલાકોમાં કોંગ્રેસ સત્તાવાર રીતે શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
