<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

બંગાળના રણમેદાનમાં પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક! ‘સરકારી કર્મચારીઓને ૭મું પગાર પંચ અને ઘુસણખોરોને દેશનિકાલ’, વાંચો પીએમની ૬ મોટી ગેરંટી

હલ્દિયાની ગર્જના: મોદીએ મમતા સરકારના ભ્રષ્ટાચાર પર કર્યા આકરા પ્રહાર; કહ્યું- ‘જેમણે બંગાળને લૂંટ્યું છે તેમને જેલ ભેગા કરીને જ જંપીશું’

કોલકાતા: તા.૯ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. હલ્દિયા ખાતે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ગઢમાં ગાબડું પાડવા માટે '૬ ગેરંટી' નું અમોઘ શસ્ત્ર ઉગામ્યું છે. પીએમ મોદીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બદલવા અને સરકારી કર્મચારીઓ માટે મોટા આર્થિક સુધારા કરવાનું વચન આપ્યું છે.

સરકારી કર્મચારીઓ અને શરણાર્થીઓ પર ફોકસ

પીએમ મોદીએ બંગાળના લાખો સરકારી કર્મચારીઓને સૌથી મોટી ભેટ આપતા જાહેરાત કરી કે, જો ભાજપ સત્તા પર આવશે તો રાજ્યમાં ૭મા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે લાંબા સમયથી ચાલી રહેલા એજન્ડાને મજબૂત કરતા કહ્યું કે, શરણાર્થીઓને પૂરા સન્માન સાથે નાગરિકતા મળશે, પરંતુ ગેરકાયદેસર ઘુસણખોરોને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે.

પીએમ મોદીની ૬ ‘લોખંડી’ ગેરંટીઓ:

૧. ન્યાયની ગેરંટી: પીએમએ કહ્યું કે અત્યારે પ્રજાએ ન્યાય માટે ભટકવું પડે છે, પરંતુ અમારી સરકારમાં દરેકને ઘરઆંગણે ન્યાય મળશે.

૨. જવાબદાર શાસન: સરકારી તંત્ર જનતાનું ગુલામ નહીં પણ સેવક બનશે અને દરેક કામમાં પારદર્શિતા લાવવામાં આવશે.

૩. ફાઈલો ફરી ખુલશે: મહિલા સુરક્ષા પર ભાર મુકતા પીએમએ કહ્યું કે, અત્યાર સુધીના તમામ બળાત્કાર અને મોટા કૌભાંડોની ફાઈલો ફરી ખોલી તપાસ કરવામાં આવશે.

૪. ભ્રષ્ટાચારીઓ જેલમાં: ભ્રષ્ટાચારના મામલે પીએમએ સ્પષ્ટ ચેતવણી આપી કે, ભલે ગમે તેટલો મોટો મંત્રી કેમ ન હોય, જેણે જનતાના પૈસા લૂંટ્યા છે તે જેલમાં જ હશે.

૫. ઘુસણખોરી પર બ્રેક: દેશની સુરક્ષા સાથે બાંધછોડ નહીં થાય; શરણાર્થીઓનું સન્માન અને ઘુસણખોરોને દેશની બહાર ફેંકવાની ગેરંટી.

૬. ૭મું પગાર પંચ: બંગાળના વિકાસમાં જે કર્મચારીઓનો ફાળો છે, તેમને તેમનો હક એટલે કે ૭મા પગાર પંચનો લાભ અપાશે.

‘બંગાળને લૂંટનારાઓનો હિસાબ થશે’

વડાપ્રધાને તીખા તેવરમાં જણાવ્યું કે, "જેમણે અત્યાર સુધી બંગાળની તિજોરી પર ડાકુની જેમ નજર રાખી છે અને જનતાની પરસેવાની કમાણી લૂંટી છે, તે બધાનો હિસાબ થશે." હલ્દિયામાં ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે, તે પહેલા મોદીની આ ગેરંટીઓએ રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.

શું મોદીની આ ૬ ગેરંટી બંગાળમાં પરિવર્તન લાવશે? તે જોવું હવે રસપ્રદ રહેશે. ચૂંટણીના આ જંગમાં ભાજપ અને ટીએમસી વચ્ચેની સીધી ટક્કર હવે વધુ ધારદાર બની છે.

(4:09 PM IST)