હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયેલનો બેરુતમાં મોટો ધડાકો: હિઝબુલ્લાહ ચીફના ‘રાઇટ હેન્ડ’ અલી યુસુફનો સફાયો; પત્રકારના વેશમાં છુપાયેલા હમાસ આતંકીને પણ ઠાર મરાયો
યુદ્ધવિરામની અટકળો વચ્ચે IDF ના લેબનોન પર ભીષણ હુમલા; નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું- ‘લેબનોન કરારનો ભાગ નથી, હુમલા ચાલુ રહેશે’

તેલ અવીવ: તા.૯ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું હોય તેમ જણાય છે. ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ ગુરુવારે એક મોટી લશ્કરી સફળતાની જાહેરાત કરતા જણાવ્યું છે કે, તેમણે બેરુતમાં કરવામાં આવેલા એક ચોકસાઈપૂર્વકના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના સેક્રેટરી-જનરલ નઇમ કાસેમના અત્યંત નજીકના અને અંગત સચિવ અલી યુસુફ હર્ષીને ઠાર માર્યો છે.
હિઝબુલ્લાહના ‘પાવર સેન્ટર’ પર સીધો પ્રહાર
IDF ના રિપોર્ટ અનુસાર, અલી યુસુફ માત્ર નઇમ કાસેમનો સેક્રેટરી જ નહીં, પણ તેનો સૌથી વિશ્વાસુ સલાહકાર હતો. તે કાસેમના કાર્યાલયનું તમામ સંચાલન અને તેની સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય સૂત્રધાર હતો. તેની હત્યાથી હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઉપરાંત, ઇઝરાયેલના ફાઇટર જેટ્સ દ્વારા દક્ષિણ લેબનોનમાં લિટાની નદી પાસે હિઝબુલ્લાહના ૧૦ હથિયાર ડેપો, લોન્ચિંગ સાઇટ્સ અને કમાન્ડ સેન્ટરોને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.
પત્રકારના નકાબમાં આતંકીનો ખેલ ખતમ
બીજી તરફ, ગાઝા પટ્ટીમાં પણ ઇઝરાયેલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. IDF એ દાવો કર્યો છે કે તેમણે હમાસના મુખ્ય આતંકી મુહમ્મદ સમીર મુહમ્મદ વશાહને મારી નાખ્યો છે, જે અત્યાર સુધી ‘અલ જઝીરા’ના પત્રકાર તરીકે ઓળખ આપી રહ્યો હતો. વશાહ હમાસના રોકેટ અને શસ્ત્ર ઉત્પાદન એકમનો માસ્ટરમાઇન્ડ હતો અને પત્રકારના વેશમાં રહીને ઇઝરાયેલી સૈનિકો પર હુમલાનું આયોજન કરતો હતો.
નેતન્યાહૂનો કડક સંદેશ: ‘યુદ્ધ ચાલુ રહેશે’
ઇરાન સાથે યુદ્ધવિરામની ચર્ચાઓ ચાલી રહી હોવા છતાં, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાનું વલણ કડક રાખ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "લેબનોન કોઈપણ યુદ્ધવિરામ કરારનો ભાગ નથી." આ નિવેદન બાદ ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં આક્રમકતા વધારી દીધી છે.
નિષ્ણાતોના મતે, હિઝબુલ્લાહના ટોચના નેતાઓના અંગત સચિવો અને સલાહકારોને નિશાન બનાવીને ઇઝરાયેલ સંગઠનના આંતરિક માળખાને તોડવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. અત્યારે સમગ્ર બેરુત અને દક્ષિણ લેબનોનમાં બોમ્બમારો ચાલુ હોવાથી પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
