હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇસ્લામાબાદમાં ‘રહસ્યમય’ રાજદ્વારી હિલચાલ: ઈરાની રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી, શું પડદા પાછળ કોઈ મોટો ખેલ ખેલાઈ રહ્યો છે?
વ્હાઇટ હાઉસના જેડી વાન્સ અને ઈરાની પ્રતિનિધિમંડળ વચ્ચે પાકિસ્તાનમાં થશે ‘મહાસંગમ’? યુદ્ધવિરામ માટે 10 મુદ્દાની શરતો પર મંથન

ઇસ્લામાબાદ: તા.૯ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અત્યારે પશ્ચિમ એશિયાના યુદ્ધને રોકવા માટેનું કેન્દ્રબિંદુ બની હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે એક નાટ્યાત્મક વળાંકમાં, પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત મોગદ્દમે ઈરાની પ્રતિનિધિમંડળના આગમન અંગેની પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દેતા રાજદ્વારી વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન બંનેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ પાકિસ્તાનની ધરતી પર વાટાઘાટો માટે આમને-સામને આવી શકે છે.
પોસ્ટ ડિલીટ થતા વધ્યું રહસ્ય
ઈરાની રાજદૂત મોગદ્દમે અગાઉ 'X' (ટ્વિટર) પર જાહેરાત કરી હતી કે, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના આમંત્રણ પર ઈરાની પ્રતિનિધિમંડળ 9 એપ્રિલની રાત્રે ઇસ્લામાબાદ પહોંચશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં, ઈરાન તેના પ્રસ્તાવિત '10 મુદ્દાના એજન્ડા' પર ગંભીર ચર્ચા કરવા તૈયાર છે. જોકે, ટૂંક સમયમાં જ આ પોસ્ટ ગાયબ થઈ જતાં કંઈક અઘટિત અથવા અત્યંત ગુપ્ત આયોજન હોવાની આશંકા સેવાઈ રહી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાન બનશે મધ્યસ્થી?
વ્હાઇટ હાઉસે પહેલેથી જ પુષ્ટિ કરી છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ આ સપ્તાહના અંતમાં ઇસ્લામાબાદમાં મહત્વની વાટાઘાટોનું નેતૃત્વ કરશે. બીજી તરફ, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ પણ પોતાના પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે. જો આ બંને શક્તિઓ ઇસ્લામાબાદમાં મળે, તો તે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટેની સૌથી મોટી રાજદ્વારી પહેલ સાબિત થઈ શકે છે.
ઇસ્લામાબાદમાં બે દિવસની રજા જાહેર
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતો અને સુરક્ષાના કારણોસર ઇસ્લામાબાદના પ્રશાસને આગામી બે દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરી દીધી છે. સમગ્ર શહેરને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ જણાય છે.
ઈરાન દ્વારા પ્રસ્તાવિત 10 મુદ્દાઓમાં કઈ શરતો છે અને અમેરિકા તેના પર કેવી પ્રતિક્રિયા આપશે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. અત્યારે તો ઇસ્લામાબાદની શાંતિમાં કોઈ મોટા 'ધડાકા' જેવી રાજદ્વારી જાહેરાતની રાહ જોવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
