<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

પગાર ઓછો પડતા કર્મચારીનો ‘ભડકો’: કેલિફોર્નિયામાં 1280 કરોડના વેરહાઉસને આગ ચાંપી, ટીશ્યુ પેપર અને ડાયપરના વિશાળ જથ્થામાં સર્જાયા નર્ક જેવા દ્રશ્યો

ગુસ્સે ભરાયેલા શ્રમિકે લાઈવ વીડિયો બનાવી આખા વેરહાઉસને ફૂંકી માર્યું; 140 અગ્નિશામકોએ કલાકો સુધી મેળવ્યો કાબૂ, આરોપીની જામીન વગર ધરપકડ

ઓન્ટારિયો (કેલિફોર્નિયા): તા.9 અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ઓન્ટારિયોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ‘કિંબર્લી-ક્લાર્ક’ જેવી નામી કંપનીના એક કર્મચારીએ પગારના મુદ્દે નારાજ થઈને કંપનીના આલિશાન વેરહાઉસને આગના હવાલે કરી દીધું હતું. આ ભીષણ આગમાં અંદાજે $156 મિલિયન (આશરે 1280 કરોડ રૂપિયા) ની મિલકત જોતજોતામાં ખાખ થઈ ગઈ છે. વેરહાઉસમાં કાગળના ઉત્પાદનોનો જથ્થો હોવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું.

વીડિયોમાં કેદ થયો કર્મચારીનો આક્રોશ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં 29 વર્ષીય આરોપી ચમેલ અબ્દુલકરીમ વેરહાઉસની અંદર ફરતો અને ટીશ્યુ પેપર તથા કાગળના ટુવાલના ઢગલાઓને આગ લગાવતો દેખાય છે. વીડિયોમાં તે સ્પષ્ટપણે ઓછા પગાર અને વધતી જતી મોંઘવારી સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યો હતો. તેના હાથમાં રહેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન વોકી-ટોકી પર અન્ય કર્મચારીઓને ચેતવણી આપતા અવાજો પણ સાંભળી શકાય છે.

1.2 મિલિયન સ્ક્વેર ફૂટનું લોજિસ્ટિક્સ હબ ખાખ

આ આગ ઓન્ટારિયોના સાઉથ હેલમેન એવન્યુ સ્થિત 1.2 મિલિયન ચોરસ ફૂટના વિશાળ વેરહાઉસમાં લાગી હતી. આ સુવિધામાં ક્લીનેક્સ અને હગીઝ જેવી જાણીતી બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સનો સંગ્રહ થતો હતો. ઘટના સમયે અંદર 20 કર્મચારીઓ હાજર હતા, જેઓ ચમત્કારિક રીતે બચી ગયા હતા. આગ ઓલવવા માટે સાન બર્નાર્ડિનો કાઉન્ટીના 140 થી વધુ અગ્નિશામકો કામે લાગ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આરોપીની કસ્ટડી અને તપાસ

પોલીસે આરોપી ચમેલ અબ્દુલકરીમની ધરપકડ કરી લીધી છે. તપાસકર્તાઓને શરૂઆતમાં લાગ્યું હતું કે તે આગમાં ગુમ થયો છે, પરંતુ બાદમાં તે સળગતી ઇમારતની નજીકથી જ મળી આવ્યો હતો. હાલ તેને રાંચો કુકામોંગાની જેલમાં જામીન વગર રાખવામાં આવ્યો છે અને તેના પર આગ લગાડવાના બે ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે.

કંપની અને પર્યાવરણ પર અસર

કિંબર્લી-ક્લાર્ક કંપનીએ આ ઘટનાથી થયેલા આર્થિક નુકસાન અને સપ્લાય ચેઈનમાં પડનારા ભંગાણનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. બીજી તરફ, આટલી વિશાળ માત્રામાં કાગળ અને પ્લાસ્ટિકના ઉત્પાદનો સળગવાને કારણે પર્યાવરણ અને આસપાસના રહેણાંક વિસ્તારોની હવા પર પણ માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

લોકોના જીવન ખર્ચના સંઘર્ષ અને કર્મચારીઓના માનસિક રોષનું આ એક વરવું ઉદાહરણ બનીને સામે આવ્યું છે, જેણે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે.

(4:11 PM IST)