હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આસામના ‘મ્યુઝિક આઇકોન’ ઝુબીન ગર્ગ વગર પહેલીવાર મતદાન: બીમારી છતાં હોસ્પિટલથી સીધા જ પોલિંગ બૂથ પર પહોંચ્યા પત્ની ગરીમા, ન્યાય માટે છલકાયું દર્દ
દિસપુરના મતદાન મથક પર સર્જાયા કરુણ દ્રશ્યો; સ્વર્ગસ્થ ગાયિકાના પત્નીએ કહ્યું- ‘ઝુબીન વગર વોટ આપવો મુશ્કેલ છે, પણ લોકશાહીની ફરજ અદા કરવી જ પડશે’

દિસપુર (આસામ): તા.૯ આસામ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રથમ તબક્કાનું મતદાન આજે (ગુરુવારે) ચાલી રહ્યું છે ત્યારે દિસપુરના એક મતદાન મથક પર એવા દ્રશ્યો જોવા મળ્યા જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી. આસામના લાડિલા અને સ્વર્ગસ્થ ગાયક ઝુબીન ગર્ગ ના પત્ની ગરીમા સૈકિયા ગર્ગ બીમાર હોવા છતાં પોતાનો વોટ આપવા પહોંચ્યા હતા. ઝુબીન ગર્ગના નિધન બાદ આ પહેલી એવી ચૂંટણી છે જેમાં ગરીમાએ એકલા જઈને મતદાન કર્યું છે.
હોસ્પિટલથી સીધા જ મતદાન મથક પર
ગરીમા સૈકિયા ગર્ગ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ છે અને ગઈકાલે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, શારીરિક નબળાઈ હોવા છતાં તેમણે ઘરે આરામ કરવાને બદલે લોકશાહીના પર્વમાં ભાગ લેવાનું પસંદ કર્યું. મીડિયા સાથે વાત કરતા ગરીમાએ ખૂબ જ ભાવુક થઈને જણાવ્યું કે, "હું હંમેશા ઝુબીન સાથે મતદાન કરવા આવતી હતી, આજે તેની ખોટ ખૂબ જ સાલે છે. પણ મતદાન કરવું એ આપણી ફરજ અને દાયિત્વ છે, એટલે જ હું અહીં આવી છું."
ઝુબીન ગર્ગના મૃત્યુનું રહસ્ય અને ન્યાયની માંગ
વાતચીત દરમિયાન ગરીમાએ ઝુબીન માટે ન્યાયની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, "અમે હજુ પણ ન્યાય માટે લડી રહ્યા છીએ. અમને આશા છે કે સત્ય બહાર આવશે અને ન્યાય મળશે."
ઉલ્લેખનીય છે કે, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સિંગાપોરમાં એક યાટ ટ્રીપ દરમિયાન રહસ્યમય સંજોગોમાં ઝુબીન ગર્ગનું અવસાન થયું હતું. તાજેતરમાં જ સિંગાપોરના કોરોનર રિપોર્ટમાં તેમનું મૃત્યુ આકસ્મિક રીતે ડૂબવાથી થયું હોવાનું જણાવાયું હતું, પરંતુ તેમના લાખો ચાહકો અને પરિવાર હજુ પણ આ મામલે ઊંડી તપાસની માંગ કરી રહ્યા છે.
ચાહકોમાં હજુ પણ ગુંજે છે ઝુબીનનો અવાજ
આસામી સિનેમા અને સંગીત જગતમાં ઝુબીન ગર્ગનું નામ આદરપૂર્વક લેવાય છે. તેમના નિધન બાદ આજે જ્યારે રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગરીમાના આ હિંમતભર્યા કદમે લોકોમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિને વધુ વેગ આપ્યો છે.
આસામનું ભવિષ્ય કોણ નક્કી કરશે તે તો ૪ મેના રોજ ખબર પડશે, પરંતુ આજે દિસપુરના બૂથ પર ગરીમા ગર્ગની હાજરી એ સાબિત કરી દીધું કે લોકશાહીની ફરજ વ્યક્તિગત દુઃખ કરતા પણ ઉપર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
