હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યાયતંત્રના પાયામાં ભૂકંપ: શું સામાન્ય માણસના 'બ્રહ્માસ્ત્ર' સમાન PILનો અંત આવશે?
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીની પ્રથા નાબૂદ કરવાની આશ્ચર્યજનક દરખાસ્ત મૂકી : ગરીબોના અવાજ અને ન્યાયિક સક્રિયતાના અસ્તિત્વ પર ખતરો મંડરાયો

નવી દિલ્હી: ભારતીય ન્યાયશાસ્ત્રના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ વળાંક આવવાની શક્યતા દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાયકાઓ જૂની જાહેર હિતની અરજી (PIL) સિસ્ટમને જડમૂળથી નાબૂદ કરવાની વિનંતી કરી સૌને ચોંકાવી દીધા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ એવી ધારદાર દલીલ કરી હતી કે જે ઉમદા હેતુથી 50 વર્ષ પહેલાં PIL શરૂ કરવામાં આવી હતી, તે લક્ષ્યો હવે પ્રાપ્ત થઈ ચૂક્યા છે. સરકારનું માનવું છે કે આજે ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ઈ-ફાઈલિંગ અને પત્ર દ્વારા ન્યાય મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે, સાથે જ NALSA જેવી સંસ્થાઓ મફત કાનૂની સહાય આપે છે, ત્યારે હવે PILની અનિવાર્યતા રહી નથી. ઉલટાનું, હવે આ વ્યવસ્થાનો ઉપયોગ અંગત સ્વાર્થ કે ચોક્કસ એજન્ડા પ્રોત્સાહિત કરવા માટે થઈ રહ્યો છે.
આ ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે પણ સરકારના તર્કમાં અમુક અંશે સૂર પુરાવ્યો હતો. CJIએ ટિપ્પણી કરી હતી કે 2006થી 2026 સુધીના છેલ્લા બે દાયકામાં દેશમાં સામાજિક અને કાનૂની જાગૃતિનું સ્તર ખૂબ જ ઊંચું આવ્યું છે. અદાલતો હવે PIL સ્વીકારતા પહેલા તેની યોગ્યતાની અત્યંત બારીકાઈથી તપાસ કરે છે જેથી તેનો દુરુપયોગ રોકી શકાય. જોકે, સરકારની આ આક્રમક માંગણીએ કાનૂની જગતમાં મોટી ચર્ચા છેડી દીધી છે કે જો PIL નાબૂદ થશે, તો તેવા ગરીબ અને વંચિત લોકોનું શું થશે જેમના હક માટે અગાઉ સામાજિક કાર્યકરો અવાજ ઉઠાવતા હતા? શું ન્યાયતંત્ર સામાન્ય માણસ માટે વધુ દુર્ગમ બની જશે?
સરકારની આ દરખાસ્ત પાછળનો મુખ્ય તર્ક એ છે કે PIL હવે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં વિઘ્ન નાખવાનું હથિયાર બની ગઈ છે. જ્યારે બીજી તરફ, બંધારણીય નિષ્ણાતો માને છે કે PIL એ ન્યાયતંત્રની 'સુપર પાવર' છે, જેણે જેલ સુધારણાથી લઈને પર્યાવરણ સુરક્ષા સુધીના ક્રાંતિકારી નિર્ણયો આપ્યા છે. જો આ વ્યવસ્થા પર પૂર્ણવિરામ મુકાશે, તો સરકાર પર અંકુશ રાખવાની ન્યાયિક સત્તા મર્યાદિત થઈ શકે છે. હવે આ નવ સભ્યોની બેન્ચ નક્કી કરશે કે PIL નો યુગ સમાપ્ત થયો છે કે પછી તેને નવા કડક નિયમો સાથે જીવંત રાખવી જોઈએ. આ નિર્ણય ભારતીય લોકશાહીના ભાવિ માટે માઇલસ્ટોન સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
