હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં ‘કાલબૈશાખી’નો પ્રકોપ: કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આફત; ૮૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
ભેજવાળી ગરમીથી મળી રાહત પણ તોફાની પવનોએ વધારી ચિંતા; તેલંગાણા સુધી ફેલાયેલી લો-પ્રેશર ટ્રફને કારણે ગુરુવાર સુધી મેઘરાજા મચાવશે ધમાકેદાર બેટિંગ, તાપમાનનો પારો ગગડ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં એપ્રિલની શરૂઆતથી જ અસહ્ય ગરમી અને ભેજવાળા વાતાવરણથી લોકો પરેશાન હતા, પરંતુ હવે કુદરતે મિજાજ બદલ્યો છે. રાજ્યમાં ‘કાલબૈશાખી’ (Nor'westers) વાવાઝોડાએ દસ્તક દીધી છે. ગઈકાલે રાત્રે કોલકાતા અને દક્ષિણ બંગાળના વિવિધ ભાગોમાં ત્રાટકેલા આ ભીષણ તોફાને ગરમીથી રાહત તો આપી છે, પરંતુ સાથે જ જનજીવન પર ખતરો પણ વધાર્યો છે.
શું છે હવામાન પલટાનું કારણ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગંગા પશ્ચિમ બંગાળથી લઈને તેલંગાણા સુધી એક લો-પ્રેશર ટ્રફ (હવાનું હળવું દબાણ) સર્જાયું છે. આ સિસ્ટમ છત્તીસગઢ પરથી પસાર થઈ રહી છે, જેના કારણે બંગાળના આકાશમાં કાળાડિબાંગ વાદળો જામ્યા છે અને ગંભીર હવામાનની શક્યતા વધી ગઈ છે.
આજે ક્યાં પડશે વરસાદ?
ગુરુવાર સુધી આ ખરાબ હવામાન ચાલુ રહેવાની પુષ્ટિ કરવામાં આવી છે. આજે ખાસ કરીને દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં તોફાન અને વરસાદની આગાહી છે:
· અસરગ્રસ્ત વિસ્તારો: હાવડા, હુગલી, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, મેદિનીપુર, બાંકુરા, પુરુલિયા, પૂર્વ બર્ધમાન, મુર્શિદાબાદ અને નાદિયા.
· પવનની ગતિ: વાવાઝોડા દરમિયાન ૭૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
તાપમાન અને વાતાવરણ
સવારથી જ આકાશ વાદળછાયું રહેશે અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના દર્શન દુર્લભ બની શકે છે. આખો દિવસ હળવાથી મધ્યમ વરસાદની હેલી ચાલુ રહેશે.
· મહત્તમ તાપમાન: ૩૨ ડિગ્રી સેલ્સિયસ
· લઘુત્તમ તાપમાન: ૨૭ ડિગ્રી સેલ્સિયસ
વરસાદ અને ઠંડા પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જે ગરમીથી તો બચાવશે પરંતુ વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવનને જોતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
