હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદેશથી નાણાં મંગાવવા હવે બનશે વધુ સરળ અને સુપરફાસ્ટ: RBI એ બેંકોને આપ્યું ‘૧ કલાક’નું અલ્ટીમેટમ; ક્રોસ-બોર્ડર પેમેન્ટમાં વિલંબ કરનારી બેંકો પર કડક નજર
નોસ્ટ્રો એકાઉન્ટના સ્ટેટમેન્ટની હવે નહીં જોવી પડે રાહ: વિદેશી ભંડોળ મેળવતા ગ્રાહકોને રિયલ-ટાઇમ ક્રેડિટ આપવા આદેશ, ડિજિટલ ઇન્ટરફેસ દ્વારા વ્યવહારોને પારદર્શક બનાવવા આરબીઆઈની નવી ગાઈડલાઈન

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો એટલે કે ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સને વધુ ગતિશીલ બનાવવા માટે બેંકોને કડક સૂચનાઓ આપી છે. આરબીઆઈના ધ્યાનમાં આવ્યું છે કે ઘણી બેંકો નોસ્ટ્રો એકાઉન્ટ્સ (Nostro Accounts) માં જમા થયેલા નાણાંની પુષ્ટિ કરવા માટે દિવસના અંતે મળતા સ્ટેટમેન્ટની રાહ જુએ છે, જેના કારણે ગ્રાહકોના ખાતામાં પૈસા જમા કરવામાં ઘણો સમય લાગે છે. હવે આ પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.
સમાધાન માટે માત્ર એક કલાકનો સમય
આરબીઆઈની નવી માર્ગદર્શિકા મુજબ, બેંકોએ હવે નોસ્ટ્રો એકાઉન્ટમાં આવતા ભંડોળનું સમાધાન (Reconciliation) વાસ્તવિક સમયના આધારે અથવા ખૂબ જ ટૂંકા અંતરાલમાં કરવું પડશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ અંતરાલ ૧ કલાકથી વધુ ન હોવો જોઈએ. આનાથી વિદેશથી પૈસા મંગાવતા વેપારીઓ અને સામાન્ય લોકોના ખાતામાં નાણાં ઝડપથી જમા થશે.
તે જ દિવસે જમા થશે નાણાં
નવા નિયમો મુજબ, જો વિદેશી વિનિમય બજારના કામકાજના કલાકો દરમિયાન કોઈ પેમેન્ટ પ્રાપ્ત થાય છે, તો બેંકોએ તે જ કાર્યકારી દિવસની અંદર ગ્રાહકના ખાતામાં નાણાં જમા કરાવવાના રહેશે. જો બજાર બંધ થયા પછી મેસેજ મળે, તો તેના પછીના કાર્યકારી દિવસની શરૂઆતમાં જ ગ્રાહકને જાણ કરવી અને નાણાં જમા કરવા અનિવાર્ય છે. આ પ્રક્રિયા દરમિયાન FEMA (Foreign Exchange Management Act) ના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
ગ્રાહકોને મળશે ત્વરિત અપડેટ્સ
હવે ગ્રાહકોએ પોતાના પૈસા ક્યાં અટક્યા છે તેની ચિંતા કરવાની જરૂર નહીં રહે. આરબીઆઈએ બેંકોને આદેશ આપ્યો છે કે:
· ઇનવર્ડ મેસેજ એલર્ટ: જેવો વિદેશથી નાણાં આવવાનો સંદેશ મળે, તરત જ ગ્રાહકને તેની જાણ કરવી પડશે.
· ડિજિટલ ઇન્ટરફેસ: ગ્રાહકો દસ્તાવેજો સબમિટ કરી શકે અને પોતાના વ્યવહારોનું જાતે મોનિટરિંગ કરી શકે તે માટે બેંકોએ ફરજિયાત ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે.
આ પગલાથી આંતરરાષ્ટ્રીય વેપારને વેગ મળશે અને વિદેશમાં વસતા ભારતીયો જ્યારે વતનમાં પૈસા મોકલશે ત્યારે તેમના પરિવારજનોને હવે લાંબી પ્રતીક્ષા કરવી પડશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
