હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ એરપોર્ટ 'રણમેદાન' બન્યું: ધુમાડાના ગોટેગોટા વચ્ચે હજારો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા!
ટર્મિનલ 1 માં શોર્ટ સર્કિટથી ભભૂકેલી આગે મચાવ્યો હાહાકાર: એરપોર્ટના તમામ ગેટ સીલ કરી ઇન્ટરનેટ સેવાઓ અને ફ્લાઇટ્સ પર લગાવાઈ બ્રેક : ફાયર ફાઈટરોની 'યુદ્ધ સ્તર' પર બચાવ કામગીરી

મુંબઈ : ગુરુવારની સાંજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોઈ ભયાનક સપના જેવી સાબિત થઈ હતી. સાંજે આશરે 6 વાગ્યે ટર્મિનલ 1 ના હાર્દ સમાન વિસ્તારમાં અચાનક લાગેલી આગને કારણે મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં કાળો ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગયો હતો, જેને કારણે શ્વાસ લેવો પણ દુષ્કર બન્યો હતો. સુરક્ષાના કારણોસર તંત્રએ તાત્કાલિક પગલાં ભરીને એરપોર્ટના તમામ એક્ઝિટ અને એન્ટ્રી ગેટ લોક કરી દીધા હતા, જેના કારણે એરપોર્ટ જાણે દુનિયાથી કપાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે એરપોર્ટ પર માત્ર ફ્લાઇટ્સ જ નહીં, પરંતુ ઈન્ટરનેટ અને તમામ સંચાર માધ્યમોને પણ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. અગ્નિશમન દળના જવાનો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દ્રશ્યો "યુદ્ધ-ક્ષેત્ર" જેવા જણાતા હતા. કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગેલી આગને કારણે સર્જાયેલા ગાઢ ધુમાડામાં મુસાફરો હાંફળા-ફાફળા બનીને સલામત જગ્યા શોધી રહ્યા હતા. CISF અને મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક સાથે ટર્મિનલની અંદર પ્રવેશીને રેસ્ક્યુ ઓપરેશન તેજ કર્યું હતું.
મુખ્ય ફાયર ઓફિસર રવિન્દ્ર અંબુલગેકરના જણાવ્યા મુજબ, આગ બુઝાવવા કરતાં પણ વધુ મોટો પડકાર અંદર ફસાયેલા હજારો લોકોને ગૂંગળામણથી બચાવવાનો હતો. એરપોર્ટના ઈતિહાસમાં આ એક એવી દુર્ઘટના હતી જેણે આધુનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. મોડી રાત સુધી ચાલેલી આ મથામણ બાદ સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ હતા, પરંતુ ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાઈ જવાથી અને મુસાફરોમાં ફેલાયેલા ગભરાટને કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ લાંબા સમય સુધી યથાવત રહ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
