<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

બારામતી પેટાચૂંટણીમાં મોટો વળાંક :કોંગ્રેસે પોતાના ઉમેદવારને મેદાનમાંથી હટાવી લીધો

કોંગ્રેસના હટી જવા છતાં બારામતીમાં ચૂંટણી ટળશે નહીં. હાલમાં સુનેત્રા પવારની સામે 20થી વધુ અપક્ષ ઉમેદવારો મેદાનમાં

મહારાષ્ટ્રના રાજકારણમાં બારામતી વિધાનસભા પેટાચૂંટણીને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. રાજ્યની રાજકીય મર્યાદા અને પરંપરાઓને જાળવી રાખવા માટે કોંગ્રેસ પક્ષે આ સીટ પરથી પોતાના ઉમેદવારને મેદાનમાંથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ પહેલા જ કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પરત લઈ લેતા પક્ષ હવે આ પેટાચૂંટણીની દોડમાંથી બહાર થઈ ગયો છે.

 

પક્ષના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે ગુરુવારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય કોઈ રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી. અજિત પવારના દુઃખદ વિમાન અકસ્માતમાં અવસાન બાદ સર્જાયેલી અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ બે કદમ પાછળ હટવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે રાજ્યની તંદુરસ્ત રાજકીય સંસ્કૃતિ અને પરસ્પર સન્માનને જાળવી રાખવા માટે આ પગલું જરૂરી હતું.

 

મળતી માહિતી મુજબ, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારે આ બાબતે કોંગ્રેસના નેતૃત્વ સાથે સીધો સંપર્ક કર્યો હતો. તેમણે પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ અને દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરીને ઉમેદવારી પાછી ખેંચવા વિનંતી કરી હતી. આ ઉપરાંત એનસીપીના વરિષ્ઠ નેતાઓ છગન ભુજબળ અને ધનંજય મુંડેએ પણ કોંગ્રેસને આ મુદ્દે સહયોગ આપવાની અપીલ કરી હતી.

કોંગ્રેસના હટી જવા છતાં બારામતીમાં ચૂંટણી ટળશે નહીં. હાલમાં સુનેત્રા પવારની સામે 20થી વધુ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, તેથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 23 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ એક અસ્થાયી નિર્ણય છે અને વર્ષ 2029ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ પૂરી તાકાત સાથે બારામતીમાં ફરીથી પોતાનો ઉમેદવાર ઉતારશે.

(9:23 PM IST)