<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ભારતમાં ફીફા વર્લ્ડ કપનું પ્રસારણ સંકટમાં: શું ભારતીય ફૂટબોલ ચાહકોએ 2026માં ઊંઘ અને મેચ બંને ગુમાવવી પડશે?

ફીફાએ ભાવમાં 65% નો જંગી ઘટાડો કર્યો હોવા છતાં ભારતીય બ્રોડકાસ્ટર્સ કેમ પીછેહઠ કરી રહ્યા છે? અમેરિકામાં રમાનારી ટૂર્નામેન્ટના સમય અને જાહેરાત બજારના બદલાતા સમીકરણોએ ફૂટબોલ પ્રસારણના ભાવિ પર સવાલો ઉભા કર્યા છે

અમદાવાદ:  વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ ગણાતા ફીફા વર્લ્ડ કપ (2026) માટે ભારત જેવા વિશાળ બજારમાં હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યો નથી, જે રમતગમતની દુનિયા માટે આંચકા સમાન છે. સામાન્ય રીતે જે મીડિયા અધિકારો મેળવવા માટે મોટી કંપનીઓ વચ્ચે સ્પર્ધા થતી હોય છે, ત્યાં અત્યારે મડાગાંઠ જેવી સ્થિતિ છે. ફીફાએ પોતાની મૂળ કિંમત $100 મિલિયનથી ઘટાડીને માત્ર $35 મિલિયન કરી નાખી હોવા છતાં, ભારતના દિગ્ગજ મીડિયા હાઉસીસ કરાર કરતા અચકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ 'ટાઈમ ઝોન' અને 'બિઝનેસ લોજિક' છે.

ઉત્તર અમેરિકા (યુએસએ, કેનેડા અને મેક્સિકો) માં યોજાનારી આ ટૂર્નામેન્ટના મોટાભાગના મુકાબલા ભારતીય સમય મુજબ મોડી રાત્રે 12 થી સવારના 7 વાગ્યાની વચ્ચે રમાશે. આ એવો સમય છે જ્યારે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રાઇમ-ટાઇમ ઓડિયન્સ મળવું લગભગ અશક્ય છે. વધુમાં, ભારતમાં ફૂટબોલ માટેનું જાહેરાત બજાર ક્રિકેટની સરખામણીએ હજુ પણ નાનું છે. રિયલ-મની ગેમિંગ (RMG) એપ્સ પરના નિયંત્રણોએ સ્પોન્સરશિપ બજેટને મોટો ફટકો માર્યો છે, જેના કારણે બ્રોડકાસ્ટર્સને ડર છે કે તેઓ અધિકારો પાછળ ખર્ચેલા નાણાં પણ વસૂલ કરી શકશે નહીં.

જોકે, ફૂટબોલ ચાહકોએ હજુ નિરાશ થવાની જરૂર નથી. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે રિલાયન્સ અને ડિઝની સ્ટારના મર્જર બાદ બનેલી નવી જાયન્ટ કંપની 'JioStar' અંતિમ ક્ષણોમાં સોદો કરી શકે છે, પરંતુ તેઓ અત્યારે વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે 'વેઇટ એન્ડ વોચ'ની નીતિ અપનાવી રહ્યા છે. જો કોઈ વ્યાપારી સોદો પાર નહીં પડે, તો ફીફા પાસે પોતાનું પ્લેટફોર્મ 'FIFA+' ઉપલબ્ધ છે જ. 2022ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ફ્રાન્સની ફાઇનલે જે રીતે ભારતમાં ડિજિટલ વ્યુઅરશિપના રેકોર્ડ તોડ્યા હતા, તે જોતા ભારતને સંપૂર્ણપણે અવગણવું ફીફા માટે પણ શક્ય નથી.

(10:30 PM IST)