હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હરિયાણામાં ₹750 કરોડના બેંક કૌભાંડે મચાવ્યો ભૂકંપ: CBI એક્શનમાં : ભ્રષ્ટ IAS અધિકારીઓની ઊંઘ હરામ
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનો ભ્રષ્ટાચાર સામે જોરદાર પ્રહાર: IDFC ફર્સ્ટ અને કોટક મહિન્દ્રા સહિતની બેંકોમાં સરકારી ભંડોળની ઉચાપત મામલે દિલ્હીમાં FIR નોંધાઈ : બે વરિષ્ઠ અધિકારીઓ સસ્પેન્ડ થતા અમલદારશાહીમાં ફફડાટ

ચંદીગઢ: હરિયાણામાં સરકારી તિજોરીને ₹750 કરોડનો ચૂનો લગાવનાર મોટા બેંક કૌભાંડનો પર્દાફાશ થતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આ મામલે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવીને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને તપાસ સોંપવાની ભલામણ કરી હતી, જેને પગલે દિલ્હીમાં સત્તાવાર રીતે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ કૌભાંડમાં IDFC ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા અને AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રહેલા સરકારી નાણાંની હેરાફેરીના ગંભીર આક્ષેપો છે, જેના તાર ઉચ્ચ સનદી અધિકારીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
ભ્રષ્ટાચારના આ ખેલમાં મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરતા 2011 બેચના IAS પ્રદીપ કુમાર અને 2012 બેચના IAS રામ કુમાર સિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. નોંધનીય છે કે પ્રદીપ કુમાર જૂન 2026માં નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા જ કૌભાંડના ડાઘે તેમની કારકિર્દી પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. સૈની સરકારના આ આકરા વલણે સમગ્ર રાજ્યની અમલદારશાહીમાં ફફડાટ ફેલાવી દીધો છે, કારણ કે આ માત્ર શરૂઆત માનવામાં આવે છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ કે સસ્પેન્શનની ગાજ પડી શકે છે.
તપાસનો વ્યાપ વધતા રાજ્ય સરકારે તાજેતરમાં 15 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરી છે, જેમાં શંકાના દાયરામાં રહેલા પાંચ અધિકારીઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ અડધો ડઝન જેટલા IAS અધિકારીઓ CBIના રડારમાં છે અને તેમની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. હરિયાણા સરકારના આ એક્શન મોડથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે જનતાના નાણાંની ઉચાપત કરનાર ભલે ગમે તેટલા ઉંચા હોદ્દા પર હોય, તેને છોડવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
