હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોક્ટર પતિ બન્યો હેવાનઃ પત્નીને બેહોશીના ઈન્જેક્શનનો ઓવરડોઝ આપી પતાવી દીધી
બેંગલુરુમાં પ્રેમ અને દગાનો એક એવો કિસ્સો સામે આવ્યો જેણે તબીબી જગતને હચમચાવી દીધું છે : અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ બનેલા એક ડોક્ટરે પોતાની જ ડોક્ટર પત્નીને બેહોશીના ઈન્જેક્શનનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારી દીધી

બેંગલુરુ,તા.૧૦: બેંગલુરુમાં પ્રેમ અને દગાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી જગતને હચમચાવી દીધું છે. અન્ય ષીના પ્રેમમાં પાગલ બનેલા એક ડોક્ટરે પોતાની જ ડોક્ટર પત્નીને બેહોશીના ઈન્જેક્શનનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારી દીધી. આ શાતિર ડોક્ટરે પત્નીની હત્યા માટે એવો 'ફુલપ્રૂફ' પ્લાન બનાવ્યો હતો કે કોઈને શંકા ન જાય, પરંતુ ડિજિટલ પુરાવાઓએ તેના પાપનો ઘડો ફોડી નાખ્યો છે.
મૃતકનું નામ ડોક્ટર કૃતિકા રેડ્ડી (૨૯ વર્ષ) હતું, જે સ્કીન સ્પેશિયાલિસ્ટ હતી. તેના પતિ મહેન્દ્ર રેડ્ડીએ દાવો કર્યો હતો કે કૃતિકાનું મોત કોઈ જૂની બીમારીના કારણે થયું છે. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે મહેન્દ્રએ ઓપરેશન થિયેટરમાં વપરાતી બેહોશીની દવાનો ઓવરડોઝ કથિત રીતે આપીને તેની હત્યા કરી હતી. તે પત્નીની સારવાર કરવાનો ઢોંગ કરીને તેને નસોમાં ઝેરી ઈન્જેક્શન આપતો હતો.
હત્યા બાદ મહેન્દ્રએ બચવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને કહ્યું હતું કે, જો પોલીસ પૂછે તો કહેજે કે આપણે માત્ર મિત્રો છીએ અને મદદ માટે ફોન કર્યો હતો. જોકે, તેના મનમાં ક્યાંક ગુનાનો ડર પણ હતો. તેણે એક મેસેજમાં કબૂલાત કરી હતી કે, મેં કૃતિકાને મારી નાખી છે, હું જેલ જઈશ. એક ખૂની ક્યારેય સુખી રહી શકતો નથી. ફોરેન્સિક ટીમે તેના ફોનમાંથી ડિલીટ કરેલા મેસેજ સહિત ૧૦ લાખથી વધુ ડિજિટલ ડેટા રિકવર કરીને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કર્યા છે.
મહેન્દ્ર અને કૃતિકા બંને બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા. મે ૨૦૨૪માં જ તેમના લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષની અંદર જ મહેન્દ્રએ પોતાના રસ્તામાંથી પત્નીને હટાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું. કૃતિકા જ્યારે તેના પિતાના ઘરે હતી, ત્યારે મહેન્દ્ર ત્યાં પહોંચ્યો અને બીમારીના બહાને તેને ઈન્જેક્શન આપવાનું શરૂ કર્યું, જેના કારણે અંતે કૃતિકાનું મોત નીપજ્યું હતું.
શરૂઆતમાં આ મોત કુદરતી લાગતું હતું, પરંતુ કૃતિકાની બહેનને મહેન્દ્રના વર્તન પર શંકા ગઈ. તેની માંગ પર જ્યારે મેડિકલ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યો, ત્યારે શરીરમાં એનેસ્થેસિયા દવાની હાજરી મળી આવી. પોલીસે જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરી ત્યારે મહેન્દ્રનું ગર્લફ્રેન્ડ સાથેનું અફેર અને હત્યાનો પ્લાન સામે આવ્યો.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મહેન્દ્રના પરિવારનો ઇતિહાસ પણ ગુનાહિત રહ્યો છે. તેના ભાઈઓ પર છેતરપિડી અને ધમકીના કેસો નોંધાયેલા છે. કૃતિકાના પરિવારે આક્ષેપ કર્યો છે કે લગ્ન સમયે આ તમામ વિગતો છુપાવવામાં આવી હતી. હાલમાં સેસન્સ કોર્ટે મહેન્દ્ર રેડ્ડીના જામીન ફગાવી દીધા છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
