News of Friday, 10th April 2026
ટોલ પ્લાઝા પર આજથી રોકડ વ્યવહાર બંધઃ હવે ડિજિટલ પેમેન્ટ જ એકમાત્ર વિકલ્પ
ટોલ પ્લાઝા પર કેશલેસ વ્યવસ્થા લાગુઃ ડિજિટલ ઈન્ડિયાનો નવો અધ્યાય : કેશ કાઉન્ટર થયા બંધ, હવે ટોલ નાકા પર રોકડ નહીં ચાલેઃ ફાસ્ટેગ વગર ચૂકવવો પડશે વધારાનો ટેક્સ

નવી દિલ્હી તા.૧૦: ભારતીય માર્ગ પરિવહન પ્રણાલીમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવી ગયું છે, જે હાઈવે પરની મુસાફરીને હંમેશ માટે બદલી નાખશે. સરકારે હવે દેશભરના નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝા પર રોકડમાં ટેક્સ સ્વીકારવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ડિજિટલ ક્રાંતિ પાછળનો મુખ્ય હેતુ વાહનોની અવરજવરને ઝડપી બનાવવી અને લાંબી કતારાથી વાહનચાલકોને મુક્તિ આપવાનો છે. ટેકનોલોજીના આ વધતા પ્રભાવ સાથે હવે દરેક પ્રવાસીએ ડિજિટલ માધ્યમો અપનાવવા અનિવાર્ય બન્યા છે.
સરકારની નવી સૂચના અનુસાર, શુક્રવારથી દેશભરના ટોલ બૂથ પર કેશ કાઉન્ટર ભૂતકાળ બની જશે. વાહનચાલકોએ હવે ફરજિયાતપણે ફાસ્ટેગ નો ઉપયોગ કરવો પડશે, જે ટોલ વસૂલાત માટેનું પ્રાથમિક માધ્યમ રહેશે. જો કોઈ વાહનચાલક પાસે ફાસ્ટેગ નથી અથવા તે સક્રિય નથી, તો તેવા સંજોગોમાં યુપીઆઈ મારફતે નાણાં ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જોકે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રોકડ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે, જેથી લાંબી કતારોથી મુક્તિ મળી શકે.
નવી પ્રણાલીમાં એક મહત્વની બાબત એ છે કે જો કોઈ વાહન ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે, તો તેને યુપીઆઈથી પેમેન્ટ કરવાની મંજૂરી તો મળશે, પરંતુ તેના પર વધુ શુલ્ક ચૂકવવું પડશે. નિયમ મુજબ, આવા સંજોગોમાં નિર્ધારિત ટોલ ટેક્સ કરતાં ૧.૨૫ ગણી રકમની વસૂલાત કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દંડ જેવી રકમ રાખવા પાછળનો હેતુ દરેક વાહનમાં ફાસ્ટેગ લગાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ટોલ નાકા પર વાહનોના થર અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટે આ પગલું અત્યંત કારગર સાબિત થઈ શકે છે. રોકડ લેતી વખતે થતી સમયની બરબાદી અટકવાથી ઈંધણની બચત થશે અને પર્યાવરણને પણ ફાયદો પહોંચશે. હાઈવે પર મુસાફરી કરતા મુસાફરો હવે કોઈપણ અડચણ વગર ઝડપથી પોતાનું અંતર કાપી શકશે. ટેકનોલોજીનો આ ઉપયોગ ભારતીય રસ્તાઓને આધુનિક બનાવવાની દિશામાં એક સીમાચિホરૂપ પગલું માનવામાં આવે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
